ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા.

ભુજ: ભારતીય વાયુ સેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADCએ 25 માર્ચ 2021ના રોજ ભુજ વાયુ સેના સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષા શ્રીમતી નિર્મલા ઘોટિયા પણ જોડાયા હતા. બેઝના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમડોર મલુક સિંહ VSM અને એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (સ્થાનિક)ના અધ્યક્ષા શ્રીમતી બલરાજ કૌર તેમના સ્વાગતમાં આવ્યા હતા.

AOC-ઇન-Cને તેમના આગમન સમયે ‘ગાર્ડ ઓફ ઓનર’ પ્રસ્તૂત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને સ્ટેશનની વિવિધ પરિચાલન, જાળવણી અને પ્રશાસનિક પાસાઓની માહિતી આપવામાં આવી હતી. તેમણે સ્ટેશનના તમામ યુનિટ્સ અને વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને કોઇપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેશનની પ્રવર્તમાન પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ મુલાકાત દરમિયાન, AOC-ઇન-C એ સ્ટેશનના કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે પરિચાલન કાર્યો કરવા માટે જાળવણી અને પ્રશાસનિક સહાયક સેવાઓમાં તેમની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. તેમણે તમામ વાયુ યોદ્ધાઓને તમામ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે દરેક રીતે તૈયાર રહેવાનું ભારપૂર્વક કહ્યું હતું.