કોણાર્ક કોરની મુલાકાતથી અત્યંત ગૌરવ અને વિશ્વાસની લાગણીનો અનુભવ કરતા સધર્ન આર્મી કમાન્ડર

અમદાવાદ: સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે. એસ. નૈન, AVSM SM અને આર્મી વાઇવ્સ વેલફેર એસોસિએશન (AWWA)ના પ્રાદેશિક અધ્યક્ષા શ્રીમતી અનિતા નૈન 26 માર્ચ 2021ના રોજ જોધપુર મિલિટરી સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. આર્મી કમાન્ડરને કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી. એસ. મિન્હાસે પરિચાલન તૈયારીઓ વિશે માહિતી આપી હતી.

આર્મી કમાન્ડરે જણાવ્યું હતું કે, તેઓ કોરની તાલીમ અને તૈયારીઓ અંગે અત્યંત ગૌરવની લાગણી અનુભવે છે અને પશ્ચિમી સરહદો ત્રણેય સેવાઓના પ્રોફેશનલિઝમ અને તેમની વચ્ચેના ઉચ્ચ સ્તરના તાલમેલના કારણે સુરક્ષિત છે તેવો તેમને સર્વોચ્ચ વિશ્વાસ છે. આર્મી કમાન્ડરે વધુમાં એમ પણ કહ્યું હતું કે, “રાષ્ટ્ર સલામત હાથોમાં છે” અને કોણાર્ક કોરની તમામ રેન્કની પ્રશંસા કરી હતી.

એડબ્લ્યુડબ્લ્યુએના પ્રાદેશિક અધ્યક્ષ શ્રીમતી અનિતા નૈને દિવ્યાંગ બાળકો માટેની ASHA સ્કૂલની મુલાકાત લઇને અહીં બાળકોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. અનિતા નૈને સમાજ માટે આ અત્યંત ઉમદા કામ પ્રત્યે શાળાના મેનેજમેન્ટના સમર્પણ અને તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવતા સખત પરિશ્રમને બિરદાવ્યા હતા.