બેલેન્સશીટ :2. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“જશવંત…કહુ છુ સાંભળે છે.. થોડા પૈસા છે તારી પાસે?…” સુધાએ પુછ્યુ. અને જશવંતે ના પાડવા કરતા મૌન રહેવાનુ વધારે પસંદ કર્યુ..
” કાલે જ કંપનીમાથી બે માણસો આવ્યા હતા.. કહયુ કે કાલે લાઈટબિલ ભરી દેજો નહિ તો….” પછીના શબ્દો સુધા પુરા ન કરી શકી.. જશવંત સાવ જુઠ્ઠો હતો. એના ફાટેલા પર્સમાં પુરા રુપિયા બસો પડ્યા હતા.. પેટ્રોલ પુરાવવા માટે…
બંનેની નોકરી એક સાથે છુટી હતી. પણ નિલીયો સાલો એક નંબરનો જુગાડુ હતો.. એણે નોકરી શોધી લીધી હતી. પગાર પહેલા કરતા અડધો જ મળવાનો હતો.. પણ મળવાનો હતો.. જુની નોકરીવાળો શેઠ તો મ્હો બતાવાય દેખાયો નહોતો.. ત્રણ મહિનાનો પગાર ખાઈ નાસી ગયો હતો.. નિલીયાએ ભલામણ કરી હતી.. એટલે નવા શેઠે આજે એને બોલાવ્યા હતો.. ટાઈમસર પહોચવાનુ હતુ.. અંતરિયાળ વિસ્તાર એટલે બાઈક શિવાય મેળ પડે તેમ નહોતો.
સુધા જશવંતના મૌનને સમજી ગઈ હતી.. એણે ઘઉના ડબ્બામાથી બે પાંચસોની નોટ કાઢી.. અત્યાર સુધી સંતાઈ રહેલી નોટ હવે અછાની રહી શકે એમ નહોતી.. ધઉ હવે એ નોટોને સંતાડી શકે એમ પણ નહોતા..
સુધા મુળ કોમર્સ ગ્રેજ્યુએટ.. મુળ વિષય નામાના મુળ તત્ત્વો… નોટ્સની આપલેમા જ જશિયો સુધાના લમણે લખાયો.. જશવંતે ગ્રેજ્યુએશન પુરુ ના કર્યું. અને એને પ્રાઈવેટમા જોબ મળી ગઈ.
વ્યકિત ખાતાનો નિયમ “આવે તેને ઉધારો અને જાય તેને જમા કરો..” મુજબ સુધાએ જશિયાને ઉધાર્યો. અને સુધાની બેલેન્સશીટ ગરબડ થઈ ગઈ.. બંનેએ પ્રેમલગન કર્યા હતા..
લગ્નના ચાર વર્ષમા સુધાને પ્રેમ શુ છે તે ખબર પડી હતી. અને આપણા જશીયા લગ્ન કોને કહેવાય એ ખબર પડી હતી.. બંને નફાનુકશાન ખાતાના નિયમો પાકા કરી રહ્યા હતા..
એક રુમની ભાડાની ઓરડીમાં કોઇ ત્રીજા માટે જગ્યા નહોતી… જ્યારે મહિને સાત હજારની ચોકખી બચત થાય ત્યારે જ ત્રીજા માટે વિચારવું એવુ નક્કી હતુ..
જશવંતે સુધાને ડબામાથી પૈસા કાઢતી જોઈ. જશવંતે ઘણીવાર આ પૈસાને જોયા હતા.. ઘણીવાર એની દાનત પણ બગડી હતી.. છતાં.. એણે ડબ્બા ઉપર હાથ નહોતો માર્યો..
“લો આ બિલ અને આ પૈસા… લાઈટબિલ ભરીને પછી જયા જવુ હોય ત્યા જજો…”
જશવંત ઘરની બહાર નીકળ્યો.બાઈકને લઇને ઘરથી થોડે દુર આવેલા પેટ્રોલપમ્પ જવા નીકળ્યો.. ચાર પાંચ મહિનાથી બંધ બાઈકને જોઈ બે ચાર જણાએ બાઇકનુ માગુ નાખ્યુ હતુ.. પેલો મરાઠીતો સાત હજાર સુધી આપવા તૈયાર હતો.. પણ જશીયાના માલમિલકત ખાતામા હવે આ બાઈક જ બચ્યુ હતુ…
સુધાએ જોયુ કે જશવંત એનો માસ્ક અને હાથરુમાલ ભુલી ગયો હતો.. શરુશરુમા તો સુધાને આ ભુલકણા જશવંતને રુમાલ યાંદ કરાવવામા મજા આવતી હતી.. પણ હવે જશવંત ઉપર શ્રધ્ધા ખોઈ બેઠી હતી પ્રેમતો બહુ જલ્દીથી ખોવાય ગયો હતો બંને વચ્ચે…કોઈ અદ્રશ્ય તાંતણે બંને બંધાઈ રહ્યા હતા.. ઔપચારિકતા પણ એકમેકને બાંધી રાખતી હશે કોને ખબર..?
પેટ્રોલ પુરાવીને ધણી કીક ખાધા પછી બાઈકે ધુમાડો છોડ્યો.. સ્ટાર્ટ થયુ પણ બહુ આગળ ન ગયુ.. બરાબર પોલીસવાળાની પાસે જઈને ઉભુ રહી ગયુ..
“ભાઈ… માસ્ક કેમ નથી પહેર્યા?” હમણા ટ્રેનિંગ પુરી કરીને આવેલી L.R.D.ની મહિલા પોલીસે કહ્યુ.. અને જશીયાના મોતિયા મરી ગયા.. ઘણી દલિલ કરી પણ કાંઇ ફેર ના પડ્યો.. નામ બોલો…
જશવંત……..
પોતાની આંખમા ઘસી આવેલા આંસુને આંખની અટારીથી જ એણે પાછા લઇ લીધા.. હોઠ ઉપર સ્મિત ઉપસી આવ્યુ કોઈ ગુમડાની જેમ…પૈસા આપ્યા અને પાવતી લીધી… બાઈક ધકેલ્યુને આગળ વધી ગયો…
ચમત્કાર… ચમત્કાર.. ચમત્કાર… એણે ગુસ્સામા બાઇકને એક જોરદાર કીક મારી અને બાઈક ચાલુ થઇ ગયુ. સીધુ ઉભુ રહ્યુ પેલા મરાઠીના ઘરે….
સાજે એનુ ઘર અજવાળાથી નહાઈ રહ્યુ હતુ….
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા