દેશ માટે બલિદાન આપવાની કસમ ખાનારા ખેડાના BSF જવાનની ખૂલ્લેઆમ હત્યા

દીકરીના અશ્લીલ વિડીયોનો વિરોધ કરતા BSF જવાનની કરાઈ હત્યા

 

ખેડાના વનીપુરામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હુમલો કરનાર 7 આરોપીઓની ધરપકડ કરી છે. 28 વર્ષ પહેલા BSFમાં ભરતી થયેલા જવાનની ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વનીપુરા ગામે હત્યા કરવામાં આવી છે. હત્યાનું મૂળ કારણ BSF જવાનની સગીર વયની દીકરીનો વીડિયો વાયરલ કરવાની બાબત આવી સામે છે.

 

મળતી માહિતી અનુસાર, BSF જવાન મેલાજી વાઘેલા જેમનું પોસ્ટિંગ મહેસાણા જિલ્લામાં હતું. જ્યાંથી તેમની બદલી થતાં રાજસ્થાન તેમને ડ્યુટી જોઈન્ટ કરવા માટે જવાનું હતું . પરંતુ આ વચ્ચે 15 દિવસની રજા લઈ પોતાના વતન આવેલા મેલાજી વાઘેલાને ખબર પડી કે પોતાની સગીર વયની દીકરીનો વીડિયો કોઈ વનીપુરા ગામના શૈલેષ નામના યુવક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.

 

જે બાદ મેલાજી વાઘેલા તેમનો પુત્ર નવદીપ અને તેમની પત્ની મંજુલાબેન વીડિયો વાયરલ કરેલા યુવકને ઠપકો આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન વીડિયો વાયરલ કરેલા યુવકના પરિવારજનો દ્વારા મેલાજી વાઘેલા તેમની પત્ની અને તેમના પુત્ર ઉપર લાકડીઓ અને તલવારો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઠપકો આપવા પહોંચેલા મેલાજી વાઘેલા અને તેમના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમની પત્ની મંજુલાબેનને નાની મોટી ઇજાઓ પહોંચતા 108 દ્વારા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 

નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચતાની સાથે જ BSF જવાન મેલાજી વાઘેલાને સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મૃતક જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે પુત્ર નવદીપને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલ સારવાર ચાલુ છે.

 

સમગ્ર મામલે ચકલાસી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હુમલો કરનાર સાત આરોપી જેમાં દિનેશ જાદવ, અરવિંદ જાદવ, ભાવેશ જાદવ, ચતુર જાદવ, સચિન જાદવ, કૈલાસ જાદવ અને શાંતાબેન જાદવની ધરપકડ કરી ચકલાસી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.