સોલા સિવિલ હોસ્પિટલનો સુખદ અનુભવ: નિવૃત્ત અધિકારી જયેશભાઈ દેસાઇએ ખાનગી હોસ્પિટલોના સ્થાને સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી

સોલા સિવિલ હોસ્પિટલનો સુખદ અનુભવ: નિવૃત્ત અધિકારી જયેશભાઈ દેસાઇએ ખાનગી હોસ્પિટલોના સ્થાને સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી


અમદાવાદ: સામાન્ય રીતે પૈસૈટકે સુખી અને સમૃદ્ધ લોકો જ્યારે પણ માંદગીનો કિસ્સો સર્જાય ત્યારે સરકારીના બદલે ખાનગી હોસ્પિટલોનો રાહ અપનાવતા જોવા મળે છે. આના પાછળ તેમનો હેતુ સારી સારવાર, સ્ટાફની સરળતાથી પ્રાપ્યતા અને સ્વચ્છ માહોલનો હોય છે. પરંતુ સારી સારવાર, સહકારપૂર્ણ મેડિકલ સ્ટાફ અને સ્વચ્છતાના માહોલના મુદ્દે હવે સોલા સિવિલ હોસ્પિટલ પણ લોકોની પ્રથમ પસંદગી બની રહી છે.
અમદાવાદમા નિકોલ ખાતે રહેતા કેન્દ્ર સરકારના એક વિભાગમાંથી ૨૦૧૨માં સ્વૈચ્છીક રીતે નિવૃત્ત થયેલા સિનિયર સીટીઝન ઉચ્ચ અધિકારી શ્રી જયેશભાઈ દેસાઇ અને તેમનાં પત્ની શ્રીમતી ઉષાબેનને કોરોનાના લક્ષણો જણાતા ૪ એપ્રિલે RT_PCR કરાવ્યો અને રિપોર્ટ પોઝિટીવ આવતા જે ખાનગી હોસ્પિટલમાં જ તેમની બંનેની શરદી-ખાંસીની દવાઓ ચાલતી હતી તે હોસ્પિટલનો તેમણે સંપર્ક કર્યો. પરંતુ તેઓ સેન્ટ્રલ ગવર્મેન્ટના હેલ્થ સ્કીમના લાભાર્થી હોવાથી તેઓને હેલ્થ સ્કીમનો લાભ મળતો હોવાથી બધી જ ખાનગી હોસ્પિટલે તેમને દાખલ કરવાની ના પાડી. કોઇપણ મેડિકલ સ્કીમ ધારકને તેઓ દાખલ કરતા નથી તેવુ જાણવા મળ્યા બાદ તેઓ બંને અસારવા સિવિલ હોસ્પિટલમા ગયા જ્યાં ઉષાબેનની તબિયત નાજુક લાગતા તેઓને સિવિલમાં દાખલ કર્યા અને ત્યારે જયેશભાઈની તબિયત સારી હોવાથી તેમને હોમ આઇશોલેશનમા રહેવા જણાવ્યું. ત્રણ દિવસ પછી જયેશભાઈના પત્નીની તબિયત ઠીક થતાં તેઓને ઘેર જવાની રજા મળી. અને હોમ આઇશોલેશનમાં રહ્યા.
પરંતુ બે દિવસ પછી જયેશભાઈનું ઓક્સિજન લેવલ ઘટવા લાગતા ૭૦ ટકા જેટલું ઓછું થતાં ૧૧ એપ્રિલના રોજ જયેશભાઇ તેમના મિત્ર સાથે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અહીં સારવાર માટે આવ્યા હતા. તેમની તબિયત નાજુક જોતા સોલા સિવિલના ડોકટરોએ તેમને તાત્કાલિક સારવાર આપવાની શરૂ કરી. તુરંત જ તેમને ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો. સમયનો જરા પણ વિલંબ કર્યા વિના ડોકટરોની ટીમ કામે લાગી ગઇ હતી. ઓક્સિજન લેવલ યોગ્ય લેવલે લાવવા માટે સઘન સારવાર અને દવાઓ આપવાનું શરૂ કર્યુ.
૧૫ દિવસની સઘન સારવારમા તેઓને ૧૦ થી ૧૨ લીટર જેટલો ઓક્સિજન આપવામાં આવતો હતો. અને ૨૫ એપ્રિલના રોજ કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવતા અને ઓક્સિજન લેવલ યોગ્ય લેવલે પહોચંતા ઘેર જવાની રજા મળી.
પૈસે ટકે સુખી અને સમૃદ્ધ હોવા છતાં તેમણે ખાનગી હોસ્પિટલોને અવગણીને સિવિલ હોસ્પિટલની સારવાર ઉપર જ ભરોસો રાખ્યો હતો અને સોલા સિવિલ હોસ્પિટલ તેમના આ ભરોસા પર ખરી ઉતરી. જયેશભાઈ ૧૫ દિવસની સારવાર બાદ કોવિડમુક્ત થઈને સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે. આજે હવે તેઓ સાજા થઈને ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે.
તેઓ કહે છે કે ‘’ અમે બંને કોરોનામાં સપડાયા ત્યારે અમારી પાસે ખાનગી હોસ્પિટલોનો વિકલ્પ ઉપલબ્ધ હોવા છતાં અમે સરકારી હોસ્પિટલમાં જ દાખલ થવાનો મક્ક્મ નિર્ધાર કરી ચુકયા હતા. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ વખત જ પગ મુકનાર અહી દાખલ થયા અને તુરંત જ સારવાર શરૂ થઈ ગઈ હતી. અહી ખાનગી હોસ્પિટલો જેવી જ પરંતુ, નિઃશુલ્ક અને ઉત્તમ કોરોના સારવાર, ડોક્ટર્સની ટીમ વચ્ચેના સંકલન, અને સ્ટાફની સારસંભાળ, જમવાનું ખુબ જ સરસ હોઈ પ્રભાવિત થઇને મે ઋણસ્વીકાર સ્વરૂપે હોસ્પિટલ્સને રૂ. એક લાખનું દાન કરવાનું નક્કી કર્યું.’’
જયેશભાઈનું કહેવું છે કે “ સોલા સિવિલ હોસ્પિટલમાં તમામ ડોકટરો અને સ્ટાફ દર્દીઓની ખુબ સારી સંભાળ રાખે છે. રાત-દિવસ જોયા વિના તેઓ અહી સતત કાર્યરત છે. તેમનું એક જ વાક્ય મારા દિલને ખુબ ગમી ગયું હતું, તેઓ હંમેશા કહેતા કે દરેક દર્દી અહીંથી સાજા થઈને જાય ઘેર જાય, એજ અમારો ઉદ્દેશ છે. તેમનુ આ વાક્ય જ અમારું ઘણું દુ:ખ હળવું કરી દેતું હતું. તેથી મેં સોલા સિવિલના ઋણસ્વીકારરૂપે આ દાન આપવાનો નિર્ણય લીધો છે.”
જો હું ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હોત તો મારે ઘણું મોટું બિલ ચુકવવું પડ્યું હોત, પણ અહી મને નિ:શુલ્ક અને ખુબ જ સારી સારવાર મળી છે તેમ જણાવતા તેઓ ઉમેરે છે કે સરકારી હોસ્પિટલ માટે મને માન હતું તેમા આજે અનેક્ગણો વધારો થયો છે. આજે આ રકમ એ ફૂલ નહિ પણ ફૂલની પાંખડી રુપે આપીને મને ખુબ સંતોષ થાય છે.’’
જયેશભાઈ દેસાઇ સહિતના સંખ્યાબંધ દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલથી પ્રભાવિત થઇ રહ્યાં છે એના અમુક ખાસ કારણો પણ છે. સરકારી હોસ્પિટલ એટલે સરકારની માનવ માત્ર પ્રત્યેની સેવાનું પ્રતીક. સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ હંમેશા જવાબદારીપૂર્વક સચોટ સારવાર ઉપર જ લક્ષ્ય કેન્દ્રિત કરે છે. સોલા સિવિલ હોસ્પિટલનો હેતુ દર્દીને વહેલામાં વહેલી તકે દર્દમુક્ત કરવાનો જ લક્ષ્યાંક હોય છે.
આ ઉપરાંત છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતની સંવેદનશીલ સરકારે અમદાવાદ સહિત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં અતિ આધુનિક સુવિધાઓ, સવલતો, ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ, ઉપકરણો વગેરે જેવા તમામ ક્ષેત્રોમાં વિના વિલંબે સપોર્ટ આપીને સર્વોત્તમ બનાવવામાં કોઇ જ કચાશ રહેવા દીધી નથી.
ગુજરાતની સંવેદનશીલ સરકારના નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સોલા સિવિલ હોસ્પિટલે તબીબી વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં લોકોને જે ઉત્તમ અને આધુનિક સેવા પૂરી પાડી છે તેનાથી સરકારી હોસ્પિટલો પ્રત્યેના લોકોના અભિપ્રાયમાં ધરમૂળથી સુધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે જયેશભાઈ દરજી જેવી ભદ્ર સમાજની વ્યક્તિએ જે રીતે ખાનગી હોસ્પિટલોની સારવારના બદલે સિવિલ હોસ્પિટલની સારવાર લેવાનું પસંદ કર્યું છે તે દર્શાવે છે કે સરકારી હોસ્પિટલોને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાનો જે માનવસેવાનો યજ્ઞ આદર્યો છે તેના મીઠા ફળ હવે મળતા થયા છે.