પાકિસ્તાનથી આવેલું 300 કરોડનું ડ્રગ્સ સલાયા અને ઓખા વચ્ચે મોકલવાનું હતુંઃ DGP

 

2022માં 4374 કરોડના માદક દ્વવ્યો ઝડપાયા: DGP આશિષ ભાટીયા

63 વિદેશી આરોપીઓમાં 38 પાકિસ્તાની અને 6 અફઘાની પકડાયા

ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી અલસોહેલી બોટમાંથી અંદાજે  40 કિલો ડ્રગ્સ અને હથિયારો ઝડપાયાં છે. તે ઉપરાંત આ બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 1992 બાદ પ્રથમ વખત હથિયારો પકડાયા છે. આ બોટમાંથી સલાયા અને ઓખાની વચ્ચે ડ્રગ્સ લેન્ડ થવાનું હતું.

 

ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, બોટ અને હથિયારોની માહિતી મળતાં જ કોસ્ટગાર્ડે આખું ઓપરેશન તૈયાર કર્યું હતું. આ ઓપરેશન 6 દિવસ સુધી ચાલ્યું હતું. પાકિસ્તાનના કરાંચી બંદરથી આ બોટ રવાના થઈ હતી અને હાજી બલોચ નામના વ્યક્તિએ ડ્રગ્સ અને હથિયારો મોકલ્યા હતાં. બોટમા રહેલા સિલિન્ડરની નીચે ડ્રગ્સ છુપાવેલું હતું. જેની બજાર કિંમત 300 કરોડ થાય છે. આ બોટમાંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેઓ પાકિસ્તાનના બલુચિસ્તાનના રહેવાસી છે.

 

તેમણે કહ્યું હતું કે, આ સંયુક્ત ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓને ઈનામ અપાશે. 2022માં કુલ 63 આરોપીઓ ઝડપાયાં છે. જેમાંથી 38 પાકિસ્તાન અને 6 અફઘાનિસ્તાનના નાગરીકો છે. ગુજરાતના દરિયામાંથી અત્યાર સુધીમાં 4374 કરોડનો માદક દ્વવ્યોનો જથ્થો ઝડપાયો છે. હાલમાં ઝડપાયેલી બોટ ઓખા બંદર પર લાવવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી પિસ્ટલ અને 120 કારતૂસ મળ્યા હતાં. કેટલા સમયથી ડ્ર્ગ્સનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો સહિતની વિગતો પુછપરછમાં એકત્રિત કરાઈ રહી છે. રીપોર્ટ બાય – મહેશ રાજગોર