SWACના હેડક્વાર્ટર ખાતે બે દિવસીય દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ કમાન્ડર્સની કોન્ફરન્સનું કરાયું સમાપન

અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) ખાતે 17 ઑગસ્ટથી 18 ઑગસ્ટ 2021 દરમિયાન યોજાયેલી કમાન્ડર્સની કોન્ફરન્સ નિમિત્તે ચીફ ઓફ એર સ્ટાફ (CAS) એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા PVSM AVSM VM ADC ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. આ કોન્ફરન્સમાં SWACના જવાબદારી ક્ષેત્ર (AOR)માં આવેલા એરફોર્સ સ્ટેશનોના કમાન્ડર્સ મિશન અને કાર્યોની પરિચાલન સમીક્ષા માટે એકત્ર થયા હતા.

CASના આગમન સમયે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપ સિંહ AVSM VM તેમને આવકારવા માટે આવ્યા હતા. CASએ કમાન્ડ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો અને આગમન સમયે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

કમાન્ડર્સને સંબોધન કરતી વખતે CASએ સતત પરિચાલન તૈયારીઓ જાળવી રાખવાની જરૂરિયાત પર અને ક્ષમતામાં વૃદ્ધિ પર એકધારું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નવી સામેલ કરવામાં આવેલી સેન્સર્સ અને શસ્ત્ર સિસ્ટમ્સના વહેલા પરિચાલન પર વિશેષ ભાર મૂક્યો હતો. CASએ કમાન્ડર્સને તાલીમમાં અદ્યતન પદ્ધતિઓનો લાભ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જેથી નવી પેઢીના વાયુ યોદ્ધાઓની સમજણ અને ક્ષમતામાં વધારો થઇ શકે. વાયુ યોદ્ધાઓ અને નાગરિક કર્મચારીઓ સાથે સંવાદ કરતી વખતે, તેમણે પરિચાલન નિયુક્તિઓમાં ખૂબ જ સારું યોગદાન આપવા બદલ અને કોવિડની કટોકટીના શમન માટે અપનાવેલા શિસ્તપૂર્ણ અભિગમ બદલ તેમની પ્રશંસા કરી હતી.