*ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ: 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકામાં ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કરશે*

*ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ: 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકામાં ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કરશે*

*ગાંધીનગર, સંજીવ રાજપૂત:* 25 ફેબ્રુઆરી 2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર,દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ₹4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું (સિગ્નેચર બ્રિજ) લોકાર્પણ થવાથી, હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક અનેરી સુવિધાનો લાભ મળી રહેશે. આ ત્રણેય જિલ્લાઓને આવરી લેતા વિકાસકાર્યોમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય, રેલવે તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 પ્રકલ્પો સામેલ છે.

*લોકાર્પણ થનારા વિકાસકાર્યો*
દેવભૂમિ દ્વારકામાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ, રેલવે તેમજ પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય હસ્તકના 5 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. જે અંતર્ગત દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. ₹ 979 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2.3 કિલોમીટર લંબાઇના બ્રિજની સાથોસાથ 2.45 કિમીનો એપ્રોચ રોડ અને પાર્કિની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે. તેના લીધે હવે દ્વારકાથી બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકાશે.

રેલવે વિભાગ દ્વારા રાજકોટથી ઓખા અને રાજકોટ-જેતલસર- સોમનાથ તેમજ જેતલસર-વાંસજાળીયા સુધી કુલ 533 રેલવે કિ.મી લંબાઇ રેલમાર્ગનું ઇલેક્ટ્રીફિકેશન કરવામાં આવ્યું છે. ₹ 676 કરોડ મૂલ્યના આ પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. ઇલેક્ટ્રીફિકેશન કામગીરીથી ડિઝલની બચત થશે અને લોકોની સુવિધામાં વધારો થશે. રાજકોટ-ઓખા ઇલેક્ટ્રીફિકેશન પ્રોજેક્ટ પૂર્ણ થવાથી દ્વારકા સુધી ઇલેક્ટ્રીક રૂટ પર ટ્રેન સુવિધા સરળતાથી મળી રહેશે. તે સિવાય પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય દ્વારા વાડીનારમાં બે ઓફશોર પાઇપલાઇન અને એક બોયનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્નું મૂલ્ય ₹ 1378 કરોડ છે.

જામનગરમાં કાલાવડ તાલુકાના છત્તર પાસે ₹ 52 કરોડના ખર્ચે નિર્મિત 12.5 મેગાવોટ ક્ષમતાના વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.ખેડૂતો અને ઉપભોક્તાઓને સસ્તા દરે વીજળી આપવામાં તેમજ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ બનશે.

*ખાતમુહૂર્ત થનારા વિકાસકાર્યો*

આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 6 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનને પહોળી કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત થશે. ₹ 292 કરોડના ખર્ચે શરૂ થનાર આ પ્રોજેક્ટનો ફાયદો જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લાને મળશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા જામનગર શહેરમાં ₹ 107 કરોડના ખર્ચે ગટર વ્યવસ્થા માટેના ત્રણ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામગીરી અંતર્ગત નાઘેડી વિસ્તાર અને મહાપ્રભુજી બેઠકથી ઠેબા ચોકડી રોડ અને ગુલાબનગર રેલવે ઓવરબ્રિજથી પુર્ણેશ્વર મહાદેવ મંદિર મેન રોડ સુધી અંડરગ્રાઉન્ડ ગટર નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. તે સિવાય કર્મચારીનગર વિસ્તારમાં એસબીઆર ટેક્નોલોજી આધારિત સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે.

વિજ્ઞાન અને ટેક્નલોજી વિભાગ હેઠળ ₹ 100 કરોડના ખર્ચે જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાયન્સ સેન્ટરને 10 એકર વિસ્તારમાં વિકસિત કરવામાં આવશે. આ સાયન્સ સેન્ટરમાં પાંચ થીમ આધારિત ગેલેરી હશે. જેમાં શહેરની ઓળખ, મૂળભૂત વિજ્ઞાન, વિજ્ઞાનનું ભવિષ્ય અને સ્વાસ્થ્ય તેમજ કૃષિ વિજ્ઞાન વિશેની માહિતી રસપ્રદ રીતે રજૂ કરવામાં આવશે. આ સેન્ટરમાં પ્રદર્શન હૉલ, ચિલ્ડ્રન્સ કોર્નર, વર્કશોપ, કાફેટેરિયા અને ઓફિસ વર્ક સ્ટેશન્સ પણ બનાવવામાં આવશે. વિકસિત ભારતના નિર્માણ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીને લોકો સુધી રસપ્રદ રીતે લઇ જવા અને બાળકો તથા યુવાઓમાં જિજ્ઞાસાવૃત્તિ નિર્માણ કરવાની દિશામાં આ સાયન્સ સેન્ટર મહત્વની ભૂમિકા ભજવશે. સાથોસાથ જામનગરના સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં FGD સિસ્ટમને સ્થાપિત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું મૂલ્ય ₹ 569 કરોડ છે. આ સિસ્ટમની મદદથી પ્લાન્ટમાંથી થતા ઉત્સર્જનમાંથી સલ્ફર ડાયોક્સાઇડને ઘટાડી શકાશે. સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્સર્જન રોકવાથી પ્રદૂષણ નિયંત્રણમાં મદદ મળશે.

*x-x-x*