ઉત્તર ગુજરાતના પાટણ, પાલનપુર, મહેસાણા, ગાંધીનગર સહિત નડિયાદ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાથે સુરત માં કડાકા ભડાકા સાથે 1.5 ઇંચ વરસાદ ખાબક્યો

આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના પાટણ, પાલનપુર, મહેસાણા, ગાંધીનગર સહિત નડિયાદ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાથે કચ્છ સહિત અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. ઊંઝા અને બહુચરાજીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. નવેમ્બરની મધ્યમાં માવઠું થતાં શિયાળુ સિઝનને લઇને ઊભા પાક અને યાર્ડમાં પડેલી જણસોમાં નુકસાન થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી લોકો અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે સવારે ૪૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૪૮ કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાલનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી સહિતનો પાક પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે. ડીસા, લાખણી, કાંકરેજ, દાંતા, ભાભર અને થરાદ સહિતના વિસ્તારમાં વરસાદથી પાક પલળી ગયો છે.