ચાતક પક્ષી અને મહાકવિ શ્રી કાળીદાસની મેઘદૂતમાં વિરહની વાત

24/07/2021

🐦 *ફરી કુદરતના ખોળે*🐦
(Non-Fiction)

*લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*
https://www.facebook.com/jagat.kinkhabwala

*ચાતક/ મોતીડો/ Pied Crested Cuckoo / હિન્દી: पपीहा / સંસ્કૃત:चातक*
*કદ: ૧૨ ઇંચ/ ૩૨ સે.મી.*

*ચાતક પક્ષી અને મહાકવિ શ્રી કાળીદાસની મેઘદૂતમાં વિરહની વાત*

ભારતવર્ષ, એશિયા અને આફ્રિકામાં જોવા મળતું ચાતક એક કોયલના કુળનું પક્ષી છે. ચાતક પક્ષીનું નામ ખુબજ પ્રચલિત નામ પણ જોયું બહુ ઓછા લોકોએ હોય. આમેય પૌરાણિક કથાઓમાં અને લોકવાયકાઓમાં તેના વિશે ઘણી ભ્રામક કાલ્પનિક વાતો પ્રચલિત છે. કવિતા, સાહિત્ય અને ગીત સંગીતમાં ખુબજ આગવી અને કાલ્પનિક રીતે તેનો વ્યાપક રીતે ઉપયોગ જોવા મળે છે અને આવી વર્ષોથી ચાલી આવતી વાતોને લોકો સાચી પણ માની લે છે. ચાતક વિષે એક એવી વાત પ્રચલિત છે કે ચાતક પોતાના માથા ઉપર જે વિશિષ્ટ કલગી/ ચોટી હોય છે તેનાથી સીધું વરસાદનું પાણી પી લે છે, વરસાદના આવવવની રાહ જોતું હોય છે અને તે સતત ઊંચે જોઈને વરુણદેવતાને વિનંતી કરતુ હોય છે કે વરસાદ મોકલો અને મારી પ્યાસ બુઝાય. ભ્રામક વાત છે કે સ્વાતિ નક્ષત્રમાં તે વરસાદનું પાણી પી લે છે. કવિઓ તો એવુંયે લખે કે તેના ગળે છિદ્ર છે અને તેની ડોક ઊંચી કરે ત્યારે તે ગળાના છિદ્ર વાટે પાણી પી લે છે અને આવા કારણોસર એવી વાયકા પ્રચલિત છે કે યાયાવર/ પ્રવાસી પક્ષી, ચાતક દેખાય તેટલે ચાર પાંચ દિવસમાં વરસાદ આવે.
ભારતવર્ષ, એશિયા અને આફ્રિકાના વિસ્તારમાં સામાન્યતઃ ચાતક જોવા મળે છે. ઉનાળો બેસવાની શરૂઆત થાય તેટલે તે સ્થળાંતર કરીને માફક આવતા વિસ્તારમાં પહોંચી જાય. તેઓ સુમધુર અને ખુબજ મીઠું પી…..પ્યુ, પી…..પ્યુ બોલતું એકબીજાની પાછળ ઉડતું જાય છે અને બોલતું જાય છે. છેક દક્ષિણ આફ્રિકાથી લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલોમીટરનો લાંબો પ્રવાસ કરીને ભારતના વિવિધ વિસ્તારમાં ચોમાસાના આગમનના સમયે પહોંચી જાય છે. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં શિયાળો શરુ થાય તે પહેલા પોતાને વતન પાછા જતા રહે છે. તેવી રીતે ભારતના તેમના શિયાળાની ઋતુના કાયમી વિસ્તારમાંથી બીજા અનુકૂળ વિસ્તારમાં ભારતમાં ચોતરફ ફેલાઈ જાય છે. ભારતના હિમાલયના પ્રદેશમાં, દક્ષિણ આફ્રિકામાં અને આફ્રિકાના સહારાના વિસ્તારમાં તેમનો કાયમી વસવાટ જોવા મળે છે. ફ્રાન્સ જેવા દેશમાં ખ્રિસ્તીઓના ડોમીનસીઅન ધર્મ પ્રચારક હોય છે તેઓ હંમેશા સફેદ અને કાળા કપડાં પહેરે છે અને તેમને તેવા વસ્ત્રોમાં જોઈને લોકો પીંછાળા ચાતકને યાદ કરે છે.
ચોમાસાની તેમની પ્રજનનની ઋતુમાં તેઓ સફેદ રંગના ઈંડા મૂકે છે અને તેવા સમયે તેઓ ખુબ બોલકણા બની જાય છે તે સમયે લોકોનું ધ્યાન તેમના તરફ અચૂક જાય છે. પ્રજનનની ઋતુમાં તેઓ એકબીજાને પ્રેમથી ખવડાવતા જોવા મળે છે. કોયલના કુળનું ચાતક સવારના સમયે કોયલની જેમ હંમેશા બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે. તેવા સમયે નર ચાતક પક્ષીની નજર ચૂકવે છે અને પાછળ માદા તે પક્ષીના માળામાં ઈંડુ મૂકી દે છે. ચાતક બે ઈંડા મૂકે છે. કોયલની જેમ ચાતક પોતાનું ઈંડુ મુક્તિ વખતે બીજા પક્ષીનું ઈંડુ ફેંકી નથી દેતી. ચાતકના ઈંડાનો રંગ લેલા પક્ષીના ઈંડાના રંગને મળતો આવે છે અને લેલા અને બુલબુલ જેવા પક્ષીના માળામાં તે ઈંડા મૂકી દે છે. બીજા પક્ષી પોતાનું બચ્ચું સમજી તેને ઉછેરે છે અને ત્યાર બાદ ઉડવાને સક્ષમ થાય તેટલે ઉડી જાય છે અને ચાતકના કુળમાં ભળી જાય છે. બચ્ચું જન્મે ત્યારે આછા ગુલાબી રંગનું હોય છે અને ત્યારબાદ તે ઘેરા પર્પલ રંગનું થઇ પછી બચ્ચું કથ્થઈ રંગનું બની જાય છે. તેમના માટે એવી પણ માન્યતા છે કે દિવસે પોતાના સાથીદાર જોડે રહે છે અને રાત્રે જુદા રહે છે. શ્રીલંકા વગેરેમાં તેમની જુદી પ્રજાતિ પણ હોય છે જે તેમના દેશના જુદા જુદા ભાગમાંથી બીજે સ્થળાન્તર કરી જાય છે.
રૂપાળા ચાતકનો શરીરના પેટાળનો ભાગ સફેદ હોય છે અને બાકીનો ઉપરનો ભાગ કાળો હોય છે. તેના રંગને કારણે બાળકો તેને ધોળું – કાળું પક્ષી પણ કહે છે. દેખાવે ઘણું નમણું હોય છે. પાંખોમાં ધોળું ધાબુ હોય છે. પૂંછડી લાંબી, કાળી અને ચાડ ઉતર પીંછાવાળી હોય છે. માથાની કલગી અને ચાંચ કાળી હોય છે અને પગ સ્લેટિયા રંગના હોય છે. કદ લગભગ કાબર કરતાં મોટું હોય છે. ઝાડીમાં વસનાર નર ચાતક અને માદા ચાતક લગભગ સરખા દેખાય છે. ખોરાકમાં તેઓ જીવડા, ઈયળો અને ફરફળાદી ખાતા હોય છે.
મહાકવિનો શ્રી કાળીદાસે મેઘદૂતમાં વિરહની વાતમાં ચાતકનો એક રૂપક તરીકે ઉપયોગ કર્યો છે. અષાઢની વાત આવતાં જ આકાશમાં છવાયેલા વાદળ જોઈ પોતાની પ્રિયતમાને મળવા આકુળવ્યાકુળ થયેલો યક્ષ શ્યામલ મેઘને પોતાનો સંદેશાવાહક દૂત બનાવી લે છે તે વાતમાં ચાતકનો ઉલ્લેખ છે.
“રે રે ચાતક ભર્તુ હરિનો શ્લોક બહુ પ્રખ્યાત છે પણ તે સાચું નથી”.
રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ચાતક પક્ષિનો બહુધા ઉલ્લેખ આવે છે.
“લોચન ચાતક જિન્હ કરી રાખે, રહહિ દરસ જલ-ધર અભિલાખે”

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે….

(કવિ શ્રી તુષાર શુક્લનું સુપ્રસિદ્ધ ગીત)
(ફોટાગ્રાફ: શ્રી સેજલ શાહ ડેનિયલ, શ્રી મનીષ પંચાલ અને વિડિઓ: શ્રી રાહીલ પટેલ.)
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

*Love – Learn – Conserve*

—————————