સુરત શહેરમાં ગણતરીના કલાકો સુધી ચાલે એટલું જ ઓક્સિજન છે. જેથી કોરોના સંક્રમિત દર્દીઓ ભગવાન ભરોસે મુકાયા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે ભાજપના જ ધારાસભ્યએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં જરૂરિયાતની સામે ખૂબ ઓછો ઓક્સિજન સપ્લાય થઈ રહ્યો છે. વહીવટી તંત્ર લાચાર સ્થિતિમાં મુકાઇ ગયું છે. અધિકારીઓ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી રહ્યા નથી.
સિવિલમાં ગેટ બહાર 108ની લાઈન
સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં એક વાગ્યા બાદ ગેટ બંધ કરી દેતાની સાથે જ સમગ્ર શહેરમાં ફફડાટ ફેલાયો હતો. લોક ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે કયા કારણસર ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. 108માં જે કોરોના સંક્રમિત દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા હતા તેમને પ્રવેશ આપવામાં આવ્યા ન હતા. જેને લઈને લાંબી કતારો જોવા મળી હતી .