અમદાવાદમાં મોટેરા સ્થિત “વૃધ્ધાશ્રમ” ના વૃદ્ધોને સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે રક્ષણ આપતી રસી વિશેષ વ્યવસ્થા સાથે આપવામાં આવી.

અમદાવાદ: તાજેતરમાં અમદાવાદના મોટેરા સ્થિત વૃદ્ધાશ્રમના વૃદ્ધો જ્યારે સિવિલ હોસ્પિટલમાં રસીકરણ માટે આવ્યા ત્યારે આ વિશેષ વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા અને તબીબોને દીર્ઘાયુ માટેના આશિર્વાદ આપ્યા હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર સ્થિત કોરોના રસીકરણ કેન્દ્રમાં મોટી સંખ્યામા કોરોનાની રસી લેવા વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડ દર્દીઓનો ધસારો જોવો મળી રહ્યો છે. અમદાવાદ શહેરના વૃદ્ધાશ્રમોના સંચાલકો વૃદ્ધોના રસીકરણ માટે સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યાં છે, ત્યારે તેમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે સિવિલ હોસ્પિટલનું પ્રશાસન પ્રયાસો કરી રહ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં રસીકરણ માટે આવતા વરિષ્ઠ નાગરિકોને રસીથી માંડીને ઓબ્ઝર્વેશન રુમ સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે પણ વિશેષ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, વૃદ્ધોને સહાય માટે એટેન્ટન્ડ(સહાયક)ની પણ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આમ, વૃદ્ધોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારનો સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

નોંધપાત્ર બાબત એ છે કે, અત્યાર સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર સ્થિત કોરોના રસીકરણ કેન્દ્રમાં ૧૩૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો અને ૧,૦૦૦ હજાર જેટલા કો-મોર્બિડ વ્યક્તિઓને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.*

અત્રે ઉલ્લેખનીય છે કે,આજે જ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ભિક્ષુકગૃહો, વૃધ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪૫ થી વધુ વયના કોમોર્બિડ અને અન્ય ગંભીર બિમારી ઘરાવતા વ્યકિતઓના રસીકરણને વેગ મળે તે માટે આધાર કાર્ડના પુરાવા વગર પર રસીકરણ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના આ સંવેદનશીલ નિર્ણયના કારણે રાજ્યના આવા વરિષ્ઠ નાગરિકોને રસીકરણની સુવિધામાં વધુ અનુકૂળતા રહેશે.