આયેશા, એક સવાલ પૂછવો છે તને-છાતીમાં વાવાઝોડું ફૂંકાતું હોય, બધું જ ધ્વસ્ત થઇ ગયું હોય ત્યારે આવી રીતે હસી કેવી રીતે શકાય? પ્રેમ આટલો બધો પવિત્ર હોય શકે? જેણે ખૂબ તકલીફ આપી હોય, ખૂબ દર્દ આપ્યું હોય એના માટે આટલી મહોબ્બત કેવી રીતે થઇ શકે?

આયેશા, એક સવાલ પૂછવો છે તને-છાતીમાં વાવાઝોડું ફૂંકાતું હોય, બધું જ ધ્વસ્ત થઇ ગયું હોય ત્યારે આવી રીતે હસી કેવી રીતે શકાય? પ્રેમ આટલો બધો પવિત્ર હોય શકે? જેણે ખૂબ તકલીફ આપી હોય, ખૂબ દર્દ આપ્યું હોય એના માટે આટલી મહોબ્બત કેવી રીતે થઇ શકે?

“હું તારું નામ ચિઠ્ઠીમાં લખીને મરી જઇશ” આવી ધમકી આપતી પ્રેમિકાઓ, પત્નીઓ, પ્રેમીઓ અને પતિઓને આયેશા નહીં સમજાય. સ્યુસાઇડ પ્રિવેન્શનની વાતો કરનારા કાઉન્સેલરો પણ આયેશાને સમજવામાં થાપ ખાઇ જશે. બંદૂકમાંથી નીકળતી ગોળીની માફક આ છોકરી છાતી ચીરીને આરપાર નીકળી ગઇ છે.

એની સાથે કોઇ ઓળખાણ નથી, છતાં છાતીમાં કશુંક ખૂંચી રહ્યું છે. આંસુઓને હડસેલો મારી પરાણે હસતો એનો ચહેરો આંખો પર કરવત ફેરવી રહ્યો છે. “મેરે સે કહાં ગલતી રહ ગઇ?” આવું બોલતાં-બોલતાં ભીનો થઇ ગયેલો એનો અવાજ કાનમાં ડ્રીલ મશીનની જેમ ફરી રહ્યો છે.

મરતા પહેલાની આ છોકરીની સ્વસ્થતા, એની પરિપક્વતા, એની સમજણ, એનો પ્રેમ….ખરેખર તો દુનિયાને આયેશા જેવી છોકરીઓની જરૂર છે. જેને ખૂબ પ્રેમ કર્યો હોય, એ જ માણસ જ્યારે દિલનાં ચૂરેચૂરા કરી નાંખે ત્યારે એને માફ કરી દેવા માટે આયેશા જેવું જીગર જોઇએ ! પ્રેમની અદાલતમાં માફી આપીને આયેશાએ એનાં પ્રેમીને-પતિને સર્વોચ્ચ સજા ફટકારી !

આયેશા, કેમ? પ્રેમ સર્વસ્વ છે, ગમતી વ્યક્તિને કારણ વિના બેમાપ ચાહી શકાય-પોતાનાં માણસો સાથે લડવું ન જોઇએ-એવું શીખવ્યા પછી કાળા-ડિબાંગ-ઊંડા પાણીમાં જીંદગીને ડૂબાડી દેવાનું તેં કેમ શીખવ્યું? કેમ?

આપઘાતનાં વિચારો આવે તો શું કરવું જોઇએ-જેવી એકપણ આદર્શ વાતો કરવી નથી. આયેશાનો વિડીયો જોયા પછી, એનાં મમ્મી-પપ્પા સાથેની વાત સાંભળ્યા પછી બે હાથ જોડી મારે એટલું જ કહેવું છે કે-આયેશા જેવી છોકરીએ આપઘાત કરી લેવો પડે, ઊંડા પાણીમાં ડૂબી જવું પડે એવા સંજોગો-એવી ઘટનાઓ ક્યારેય ઉભા ન થાય-એટલું ધ્યાન રાખજો, પ્લીઝ !

આ છોકરી એના વિડીયોમાં એવો સવાલ કરે છે કે-મુજે જન્નત મિલે ન મિલે…! મારે એટલું જ કહેવું છે કે-આયેશા જેવી છોકરીઓ જ્યાં હશે ત્યાં જન્નત જ હશે.

બાકી, જે સાબરમતીમાં આ છોકરીએ ભૂસ્કો માર્યો એ સાબરમતી અત્યારે તો આંખોમાં આવી ગઇ છે.

આયેશા, રેસ્ટ ઇન પીસ 🙏

-એષા દાદાવાળા