જિલ્લામાં ગરૂડેશ્વર, દેવલીયા, સિસોદરા, દેડીયાપાડા અને સાગબારામાં વધુ પાંચ ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓનો કરાયો પ્રારંભ :
આગામી ત્રણ દિવસમાંસાગબારા ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે :
રાજપીપલામાં આરટીઓ પાસેના ચિલ્ડ્રન હોમને વધારાના કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત કરવાની કામગીરી પૂર્ણ
રાજપીપલા શહેરી વિસ્તારમાં જરૂર પડયે બે ખાનગી તબીબોએ કોવિડ
હોસ્પિટલ શરૂ કરવાની દર્શાવેલ તૈયારી
રાજપીપલા,તા 6
વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવા અટકાયતી પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે સમગ્ર રાજપીપલા શહરે અને જિલ્લાના પોલીસ વિભાગના તમામ અધિકારીઓ / પોલીસ / હોમગાર્ડઝ, ગૃહરક્ષક દળના જવાનો વગેરેના રેપીડ ટેસ્ટની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગની ટુકડીઓએ શહેર જિલ્લામાં પોલીસ વિભાગની વિવિધ કચેરીઓ ઉપરાંત પોલીસ સ્ટેશન ખાતે ઉકત કામગીરી હાથ ધરી હતી.
નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના એપેડેમીક મેડીકલ ઓફિસર આર.એસ. કશ્યપે આજે ઉપરોકત માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગના જવાનોની કોરોના ટેસ્ટીંગ કામગીરી અંતર્ગતઅંદાજે ૭૦૦ થી ૮૦૦ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત આજથી જિલ્લામાં ગરૂડેશ્વર, દેવલીયા, સિસોદરા, દેડીયાપાડા અને સાગબારામાં ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓ પણ ઉપલબ્ધ કરાઇ છે અને તે દ્વારા જરૂરીયાતમંદોને જરૂરી આરોગ્ય સેવાઓ અને સારવાર પુરી પાડવાની કામગીરી શરૂ કરાઇ છે.
રાજપીપલા શહેરમાં કોવિડ કેર સેન્ટરની ૩૫૦ ની ક્ષમતા ઉપરાંત જરૂર પડયે રાજપીપલા આરટીઓ પાસેના “ચિલ્ડ્રન હોમ” ને વધારાના કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત કરવાની કાર્યવાહી પૂર્ણ કરાઇ છે. આગામી ૩ દિવસમાં સાગબારા ખાતે પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે. રાજપીપલા શહેરી વિસ્તારમાં જરૂર પડે બે ખાનગી તબીબોએ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની તૈયારી દર્શાવી હોવાનું પણ ડો. કશ્યપે વધુમાં જણાવ્યું હતું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા