રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી ફરજ ઉપરના અધિકારીઓ કર્મચારીઓ માટે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજના ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયેલા મતદાનમાં ૧૯૯ કર્મીઓનું ૭૧ ટકા મતદાન નોંધાયું

રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી ફરજ ઉપરના અધિકારીઓ કર્મચારીઓ માટે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજના ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયેલા મતદાનમાં ૧૯૯ કર્મીઓનું ૭૧ ટકા મતદાન નોંધાયું :

દેડીયાપાડા પોલીસ સ્ટેશનના લોકરક્ષક પોલીસકર્મી સુલોચનાબેન વસાવાએ તેમના લગ્નની ગ્રહશાંતિના પ્રસંગ વચ્ચે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને મતદાનથી અળગા રહેતા મતદારોને અચૂક મતદાન માટે આપ્યો પ્રેરક સંદેશ

રાજપીપલા,તા 22

નર્મદા જિલ્લામાં તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવાર રોજ યોજાનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીના દિવસે ફરજ ઉપર તૈનાત થનાર અધિકારીઓ કર્મચારીઓ પણ રાજ્ય ચૂંટણી આયોગની સુચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ આજે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ સંકુલમાં ઉભા કરાયેલા ફેસીલીટેશન સેન્ટર ખાતે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં ૧૯૯ જેટલા કર્મચારીઓએ ઉત્સાભેર મતદાન કરતા ૭૧ ટકા મતદાન નોંધાયું હતું.

આયુર્વેદિક કોલેજ ખાતે રાજપીપલા નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને રાજપીપલાના પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને મદદનીશ ચૂંટણી અધિકારી એચ.કે.ગઢવીની ઉપસ્થિતિ અને નિરિક્ષણ હેઠળ યોજાયેલા પોસ્ટલ બેલેટના ઉક્ત મતદાન પ્રસંગે ચૂંટણી અધિકારી કે.ડી.ભગતે જણાવ્યું હતું કે, રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ અંતર્ગત મતદાનના દિવસે ચૂંટણી ફરજ ઉપરના સરકારી કર્મચારીઓ તરફથી પોસ્ટલ બેલેટથી મતદાન માટે મંળેલી ૨૭૮ જેટલી અરજીઓમાં હોમગાર્ડ્ઝ, પોલીસ જવાનો સહિતના સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. અને આ તમામ માટે આજે પોસ્ટલ બેલેટથી યોજાયેલા આ મતદાનમાં ૧૯૯ કર્મચારીઓએ ભાગ લઇને મતદાન કરતા, ૭૧ ટકા મતદાન નોંધાયું હતું. કોઇપણ પોસ્ટલ બેલેટ ઇનવેલીડ ન થાય તે માટે પૂરતી તકેદારી રખાઇ છે. આજના આ પોસ્ટલ બેલેટના મતદાનમાં રાજપીપલા નગરપાલિકાના ઉમેદવારોને પણ ઉપસ્થિત રખાયાં હતા. સ્થળ ઉપર કોવિડ-૧૯ માર્ગદર્શિકા મુજબ મેડીકલ ટીમ, થર્મલ ગન, સેનીટાઇઝેશની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઇ હતી.

ઘરઆંગણે લગ્નની શરણાઇની ગુંજ સાથે ગ્રહશાંતિના ચાલી રહેલા પ્રસંગ વચ્ચે પણ આજના પોસ્ટલ બેલેટથી મતદાન માટે આવી પહોંચેલા દેડીયાપાડા પોલીસ સ્ટેશનના લોકરક્ષક પોલીસકર્મી સુલોચનાબેન કિશોરભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આજે મારા મેરેજ છે, તેમ છતાં હું મતદાનને મહત્વ આપી મતદાન કરવા આવી છું. મતદાન મારો પહેલો અધિકાર છે, મારા ઘરે ગ્રહશાંતિનો પ્રસંગ ચાલી રહ્યો છે, છતાં હું મતદાનની પવિત્ર ફરજ અદા કરવા આવી છું. આમ, પોલીસકર્મી સુલોચનાબેન વસાવાએ પોતાના લગ્ન પ્રસંગની વચ્ચે પણ મતદાન કરીને મતદાનથી અળગા રહેતા મતદારોને અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો છે.

તસવીર: જ્યોતિ જગતાપરાજપીપળા