નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખનું રાજીનામુ,
રાજીનામાનો પત્ર સોશિયલ મિડિયામા ફરતો થઇ ગયો
અન્ય કાર્યકરો સાથે ભાજપામા જોડાશે
કોંગ્રેસને મોટો ફટકો
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિકુંજ પટેલને સમજાવવાનો પ્રયત્ન કર્યો છતા રાજીનામું પાછુ ના ખેંચાયું!
રાજપીપળા, તા21
નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલે પોતાના હોદ્દા અને કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામુ આપતા ચકચાર મચી જવા પામી હતી. તેમનો રાજીનામાનો પત્ર સોશિયલ મિડિયામા ફરતો થઇ ગયો હતો. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો રંગ જામ્યો છે.આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, બિટીપી એમ ત્રિપાંખીયો જંગ જામશે ત્યારે નિકુંજ પટેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું મોકલતા નર્મદા જિલ્લા કોંગ્રેસને એક મોટો ફકટો પડ્યો છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે ભૂતકાળમાં “પાટીદાર” આંદોલને સરકારની ઊંઘ હરામ કરી દીધી હતી, નર્મદા જિલ્લામાં નિકુંજ પટેલે જે તે વખતે “પાટીદાર” અનામત આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.જેને પગલે કોંગ્રેસે એમને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકેનું મહત્વનું પદ આપ્યું હતું, નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં પણ ભાજપનો સફાયો થયો હતો.
નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામુ આપનાર નિકુંજ પટેલ નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાના અંગત વ્યક્તિ પૈકીના એક હતા.નર્મદા જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરવાથી માંડી તમામ કામગીરીમાં નિકુંજ પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ફોર્મ ભરાયા બાદ એમને એવું તો શું થયું કે એમણે પક્ષ છોડવાનો વારો આવ્યો.!ચર્ચાઓ તો એવી પણ છે કે કોંગ્રેસ સંગઠનથી તેઓ પોતે ટિકિટ વહેચણી બાદ નારાજ ચાલી રહ્યા હતા એ જ કારણે એમણે રાજીનામુ ધર્યુ હશે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામાંનો પત્ર નિકુંજ પટેલે કોંગ્રેસના પ્રદેશ નેતાઓને મોકલી આપ્યો હતો.એ બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પોતે નિકુંજ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પોતે કેમ રાજીનામુ આપ્યું એ બાબતે નિકુંજ પટેલે અમિત ચાવડા સાથે સ્પષ્ટતા પણ કરી હતી.અમિત ચાવડાના મનાવવા છતાં નિકુંજ પટેલ રાજીનામું પરત ખેંચવા એક ના બે થયા ન હતા.
નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલે પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાને રાજીનામા પત્રમા જણાવ્યુ હતું કે હું નિકુંજ પટેલ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવું છું.કોંગ્રેસ દ્વારા વખતો વખત મને ઘણી જવાબદારીઓ સોંપવામાં આવી હતી જે મેં નિષ્ઠાપૂર્વક નિભાવી પણ છે.
કોંગ્રેસ દ્વારા મારી પર વિશ્વાસ મૂકી મને આટલી નાની ઉંમરમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી આપી એ બદલ હું કોંગ્રેસ પક્ષનો દીલથી ઋણી છું, પણ હવે હું કોંગ્રેસ પક્ષમાં મારૂ યોગદાન આપી શકુ એમ નથી, હું જવાબદારી પણ નિભાવી શકું એમ નથી.
હું મારા અંગત કારણોસર નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે રાજીનામુ આપું છે જે સ્વીકારવા નમ્ર વિનંતી છે.”
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની રાજપીપળામાં જંગી રેલી અને સભા છે.ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને સભ્ય પદેથી રાજીનામુ આપનાર નિકુંજ પટેલ પોતાના સમર્થકો સાથે સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે એમ પણ જણાવ્યુ હતું. જેનાથી કોંગ્રેસ છાવણીમા સોપો પડી ગયો હતો.
તસવીર: જ્યોતી જગતાપ,રાજપીપળા