અમદાવાદ : 100 રૂપિયા આપ તેમ કહી બદમાશે રીક્ષા ચાલકને માર્યું ચાકુ, નરોડા પોલીસે હાથ ધરી તપાસ

અમદાવાદ : 100 રૂપિયા આપ તેમ કહી બદમાશે રીક્ષા ચાલકને માર્યું ચાકુ, નરોડા પોલીસે હાથ ધરી તપાસ

આરોપીએ 100 રૂપિયાની માંગણી કરી રીક્ષા ચાલક પર કર્યો જીવલેણ હુમલો

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં દહેગામ બસસ્ટેન્ડ પાસે રીક્ષા ચાલાક પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ 100 રૂપિયાની માંગણી કરતા રકઝક થતા હાથના કાંડાના ભાગે બાધેલું ચાકુ કાઢી મારી દીધું હતું. લોહીલુહાણ હાલતમાં રીક્ષા ચાલાકને સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ મામલે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

નરોડા વિસ્તારમાં મુસ્લિમ મહોલ્લામાં રહેતા હનિફ શેખ ગત રોજ દહેગામ સ્ટેન્ડ નજીક રીક્ષા લઇને ઉભો હતો. આ દરમિયાન વ્યાસવાડી નરોડા ખાતે રહેતો આરોપી અજય ગલાજી ઠાકોર આવ્યો હતો. અને 100 રૂપિયાની માંગણી કરી હતી. જો કે ફરિયાદી હનિફ શેખે પૈસા આપવાનું ના કહેતા આરોપી અજય રકઝક પર ઉતરી આવ્યો હતો. આ દરમિયાન આરોપી અજયે પોતાના ડાબા હાથમાં બાંધેલું ચાકુ કાઢી રીક્ષા ચાલાક હનિફ શેખની છાતી પર મારી ફરાર થઇ ગયો હતો. ધારધાર ચાકુથી હુમલો કરતા હનિફ શેખ જમીન પર પછડાઇ ગયા હતા. લોહીલુહાણ હાલમાં તેમણે સિવિલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

હાલ રીક્ષા ચાલક હનિફ શેખ સારવાર હેઠળ છે, તો બીજી તરફ આરોપી સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. હાલ આ મામલે નરોડા પોલીસે અજય ગલાજી ઠાકોર સામે ગુનો નોધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.