નર્મદાના ૨૧ જેટલા ખેડૂતોને મહાનુભાવોના હસ્તે કલેકટરાલય ખાતે ખાતર-બિયારણ કિટ્સનું વિતરણ કરાયું
રૂ. ૨.૨૧ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના ૮૫૦૦ ખેડૂત લાભાર્થીઓને આવરી લેવાયાં
અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧ લાખ ૨૬ હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ સહાયનો લાભ આ વર્ષે અપાશે.
રાજપીપલા, તા 22
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવા, GFSC ના કાર્યવાહક ચેરમેન અને અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ ડૉ.મુરલી ક્રિષ્ણા વગેરેની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આદિજાતિ વિસ્તારના ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧ નો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરાયેલા સંબોધનમાં નર્મદા જિલ્લાના લાભાર્થી આદિજાતિ ખેડૂતો રાજપીપલા કલેક્ટરાલયના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વસાવા, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, GSFC ના એરીયા-બીઝનેશ વડા જે.એમ.વૈષ્ણવ, ડી-સેગના પ્રોજેક્ટ મેનેજર પ્રણવ પટેલ વગેરે ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં જોડાઈને સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પાછલા એક દશક એટલે કે ૧૦ વર્ષમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અન્વયે ૧૦ લાખ વનબંધુ ખેડૂતોને રૂપિયા ૨૫૦ કરોડની સહાય આપી છે. અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧.૨૬ લાખ જેટલા વનબંધુ ખેડૂતોને રૂા.૩૧ કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ સહાયનો લાભ આ વર્ષે અપાશે.
કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧ અંતર્ગત રૂા.૨.૨૧ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના ૮૫૦૦ જેટલા આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવાયેલ છે. મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર ખાતેથી આ યોજનાનો પ્રારંભ કરાયા બાદ નર્મદા જિલ્લાના ૨૧ જેટલા ખેડૂત લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખહરેશભાઈ વસાવા અને પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલના હસ્તે ૪૫ કિ.ગ્રામની એક થેલી યુરિયા, ૫૦ કિ.ગ્રામની પ્રોમ (ઓર્ગેનિક ખાતર) ની થેલી અને પ્રતિ લાભાર્થી ભીંડા, રીંગણ, દૂધી, કારેલા અને ટામેટા જેવા પાંચ જેટલા વિવિધ પ્રકારના બિયારણ પૈકી પસંદગીના કોઇપણ એક પ્રકારના બિયારણની થેલીનું વિતરણ કરાયું હતું, જેની પ્રતિ લાભાર્થીના કિટ્સની બજાર કિંમત અંદાજિત ૨૬૦૦/- રૂપિયા થવા જાય છે.
પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આ યોજના હેઠળ અંદાજે રૂા.૨.૨૧ કરોડના ખર્ચે આવરી લેવાયેલ જિલ્લાના તમામ ૮૫૦૦ જેટલા ખેડૂત લાભાર્થીઓને આજથી તા.૩૦ મી જૂન,૨૦૨૧ સુધીમાં દરેક તાલુકાના GSFC ના ડેપો દ્વારા આ કિટ્સના વિતરણના કરાયેલા આયોજન મુજબ તમામ લાભાર્થીઓને આ કિટ્સનું સમયસર વિતરણ થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તસવીર :જ્યોતી
જગતાપ, રાજપીપલા