રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી કરતા બે LRD જવાન દારૂની ખેપમાં ઝડપાયા
સૌરાષ્ટ્રમાં પોલીસની મીઠી નજર હેઠળ થતી દારૂની હેરાફેરી અનેક વખત ઉઘાડી પડી ગઈ છે. પણ હવે આ હેરાફેરીમાં પોલીસ જ અટવાયેલી હોવાની વિગત સામે આવી છે. મોરબીના જાંબુડિયા ગામ પાસે ઓવરબ્રીજ પરથી બુધવારે વહેલી સવારે એક સ્કોર્પિયો ગાડી પલટી ખાઈ ગઈ હતી. જેમાં દારૂ ભરેલો હતો. આ ઘટનાને કારણે રસ્તા પર દારૂની રેલમછેલ થઈ પડી હતી.
આ દારૂને બીજી ગાડીમાં સગેવગે કરવા માટે અને સમગ્ર ઘટનાને છૂપાવવા માટે કાર ચાલકે સ્થળ પર ભેગા થયેલા લોકો તેમજ પોલીસ પર રોફ જમાવવા માટે પ્રયત્નો કર્યા. પણ મોરબી પોલીસને પ્રાથમિક તબક્કે જ જાણ થઈ ગઈ હતી કે, સ્કોર્પિયો ગાડીમાં દારૂ ભર્યો છે. એટલું જ નહીં કારમાં બેઠેલા બંને વ્યક્તિ પોલીસ ખાતાના જ કર્મચારી છે. રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી કરતા LRDના બે જવાન આ દારૂની હેરાફેરી કરતા હતા. મોરબી-વાંકાનેર હાઈવે પર એમની કાર જાંબુડિયા પાસે ઓવરબ્રીજ પર પલટી મારી ગઈ હતી. કાર નં.GJ-03L-4455 માં દારૂ ભરેલો હતો. કાર પલટી જતા તે ઢોળાયો હતો. આ અકસ્માત બાદ બીજી એક ઈકો ગાડીમાં માલ લઈ જવા માટેની યોજના હતી. બંને વ્યક્તિએ લોકો પર રોફ જમાવીને પોલીસ સાથે પણ મોટી માથાકુટ કરી હતી. થોડા સમય માટે ઓવરબ્રીજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જવાન રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા (રહે. રાજકોટ નજીક રિબડા ગામ) અને પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.
આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં-કોને પહોંચાડવાનો હતો એને લઈને પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે.વિદેશીદારૂની 36 બોટલ, બીયરના 32 ટીન, બે મોબાઈલ અને કાર સહિત કુલ 546920 રૂ.નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી લીધો છે. આ સમગ્ર ઘટનાની રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જામનગર શહેરમાંથી પણ વિદેશી બ્રાંડની દારૂની બોટલ પકડાઈ હતી. આ બંને બનાવને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. એક તરફ રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી માટે રાજ્યના મુખ્યમંત્રી તરફથી અવારનવાર ટકોર કરવામાં આવે છે. બીજી તરફ એવી ઘટના બને છે જેમાં પોલીસ જ દારૂની હેરાફેરીમાં અટવાઈ હોય. જ્યારે મોરબી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે આ માલ સગેવગે કરવાનું કામ ચાલું હતું. જ્યારે આ અકસ્માત બન્યો ત્યારે એક જવાન નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું.