કરોડો શ્રધ્ધાળુઓની આસ્થા સમાન જગતજનની મા અંબાજીના પવિત્ર યાત્રાધામ અંબાજીના સુગ્રથિત વિકાસ માટે અને દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓને સુખ- સુવિધાઓ પુરી પાડવા માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેને આવકારતાં બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલે મિડીયાને મુલાકાત આપતાં જણાવ્યું હતું કે, અંબાજી માત્ર ગુજરાતનું જ નહીં પરંતું સમગ્ર વિશ્વના હિન્દુઓ માટે આસ્થાનું પરમ પવિત્ર તીર્થસ્થાન છે ત્યારે રાજય સરકારના આ નિર્ણયથી પવિત્ર યાત્રાધામ અંબાજી વૈશ્વિક કક્ષાનું પ્રવાસન ધામ બનશે. તેમણે કહ્યું કે, અંબાજી યાત્રાધામ માટે પ્રવાસન સત્તા મંડળની રચનાથી વિકાસની પ્રક્રિયાને નવો વેગ મળશે. તેમણે ઉમેર્યુ કે યાત્રાધામ અંબાજીનો સમગ્રતયા વિકાસ થાય તે માટે આજે રાજયના પ્રવાસન વિભાગ અને જી.એસ.આર.ટી.સી.ની ટીમો અંબાજીની મુલાકાતે આવી છે. અંબાજીમાં જે પણ વિકાસકામો કરવાના છે તેનું આ ટીમોએ નિરીક્ષણ કર્યુ છે. અંબાજીના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. તેમણે કહ્યું કે લોકોની આસ્થાના પ્રતિક સમા મા અંબાના ધામનો વિકાસ થાય, આવનાર શ્રધ્ધાળુંઓને સારી સુખ- સગવડ પ્રાપ્ત્ થાય તથા સ્થાનિક લોકોને રોજગારી મળે તેને ધ્યાનમાં રાખી વિકાસકાર્યો કરાશે. ચેરમેનશ્રીએ કહ્યું કે, અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ આવતા હોય છે એટલે વિકાસ કામોની સાથે સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.
કલેકટરશ્રીએ ભક્તિભાવપૂર્વક મા અંબાના દર્શન અને પૂજા-અર્ચના કર્યા હતાં. આ પ્રસંગે અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં અંબાજીના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દાંતા પ્રાંત અધિકારી અને આસી. કલેકટરશ્રી પ્રશાંત ઝીલોવા, અંબાજી ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડા, એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી સોલંકી, પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગના અધિકારીઓ સહિત મંદિરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.