“પ્રિય ભારતીયો
તમામ ભારતીયોને મારા સાદર વંદન.. આમતો તમને જાદુની જપ્પી આપીને જ તમારુ અભિવાદન કરવાનું હોય.. પણ કેટલાક ચાલાક અને સજાગ ભારતીયો અમારી અડફેટે ચઢ્યા નથી.. એ ઘણી દુખની વાત છે.. આટલા ટૂંકાગાળામા બીજા નંબરે પહોચવુ અમારા માટે ખરેખર દુષ્કર હતુ.. પણ આપ સર્વેની બેદરકારીએ અમારામા સક્રીયતા આણી છે.. બાકી અમે આપની આગળ કાંઈ નથી…
ખાસ કરીને તમારી કોઈ પેલી આર્ટિસ્ટ છે રિયા નામની.. એનું ચગાવી ચગાવીને ન્યૂઝ ચેનલો તમને બેધ્યાન કરવામા ઘણી સફળ રહી..
અમે હવે નકામા છીએ.. બીન અસરકાર છીએ.. રિયા સુશાંત આગળ અમે ચણા મમરા બની ગયા હતા.. જોકે આના લીધે અમે વધુ મુક્ત થઇને અમારૂ ફોકસ રાખી શક્યા છીએ. અને પરિણામ તમારી સામે જ છે.. અમે સગર્વ ભારતને વિશ્વના નકશા ઉપર બીજા સ્થાને લાવીને મુકી દીધુ… જોકે આ બાબતે અમને કોઈ અભિમાન નથી.. ગર્વ કરવાના પણ દિવસો આવશે.. જલ્દી આવશે.. એ દિવસ દુર નથી કે અમેરિકાને આંબી દઇશું.. ટૂંક જ સમયમા અમે અમેરિકા ના ધમંડને ચકનાચૂર કરી નાંખશું
અર્થતંત્રનું ગળુ ટૂંપીને ચાર ચાર લોકડાઉન અને તમારું ગળુ ટૂંપવા ચાર ચાર અનલોક.. છતાં. અમેરિકાને હરાવવા માટે અમે કૃતનિશ્ચય છીએ… અમે હાર્યા નથી.. થાક્યા નથી.. અને થાકવાના પણ નથી.. જયા સુધી તમે પુરા ભયભીત થઇને વેક્સિન ને મોંધી ના બનાવો.ત્યાં સુધી રસી તમારા હાથમા આવવાની પણ નથી.. અમારે વાત થઈ ગઈ છે..
એકવાર અમારા હાથમાથી છટકી ગયેલા લોકોને ફરી પકડવાનુ પણ અમે શરુ કર્યું છે.. જે અમારી આગવી ખાસિયત છે..
કેટલાક સંશયાત્માઓને અમારા ઉપર શંકા હતી કે અમે સત્તાપક્ષથી ડરીએ છીએ. દુર રહીએ છીએ.. અરે કેન્દ્રના અધ્યક્ષ ને બે બાર પકડયા હોય ત્યારે ગુજરાતના અધ્યક્ષ શુ ચીજ છે.. મારા બંને કાન પકડીને કહુ તો ગુજરાતમાં અમને એમની ઘણી હુંફ મળી.. ખાસ કરીને રાજકોટમાં, એમના કારણે અમે વધારે સશક્ત બન્યા.. એમને જોતાવેંત ઊર્જા આવી જાય એવા ઊર્જાવાન નેતા છે..છ મહિનાથી વિસરાયેલી ગરબા પરંપરાને એમણે યાંદ કરી અમારુ કામ આસાન કર્યૂ.. દ્રારિકાથી અંબાજી અમે સાથે ને સાથે.. પણ પછી અમારો એક છૂપો વાયરસ ખબર લાવ્યો કે, આપણા વિશે પક્ષપાત જેવી ગેરસમજ વધારે લંબાય એ પહેલા, આપણે પ્રતિબધ્ધ રીતે આપણુ કાર્ય કરવુ જોઈએ.. અમારી મજબુરી એ છે કે અમને દિલોજાનથી મદદ કરનારને પણ પકડવા પડે છે… ચીનકસમ નવા પ્રમુખના નાકમા ધુસતા અમારો નિષ્ઠુરમા નિષ્ઠુર વાયરસ પણ રડી પડ્યો હતો.. પણ ફરજ એટલે ફરજ..
અમે તો ટ્રમ્પ સાથે જ ભારતમાં પ્રવેશ્યા હતા.. ટ્રમ્પ તો નમસ્તે લઈને ગયા. અને અમને મુકતા ગયા.. હવે આ ટ્રમ્પના અભિમાનને ચકનાચૂર કરવુ છે.. સાહેબને સન્માન અપાવવું છે.. આપ મારી સાથે હશો.. ભીડ મા હશો.. માસ્ક વિહિન હશો.. તો તમે અમને નરી આંખે જોઈ શકશો.. હું તો તમને જોઈ જ રહયો છું… ચાલો રૂબરુ મળીએ..અને ભારતને આગળ વધારીએ
લિ.કોવિડ ૧૯
ડો સ્વપ્નિલ કેશવલાલ મહેતા