કાલુપુરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ માસ્ક-મોજા વેચવાના કૌભાંડનો પર્દાફાશ, 5 દુકાનદારો સામે કાર્યવાહી

પાંચ દુકાનોમાં તપાસ કરતા 900 વધુ ડુપ્લિકેટ માસ્ક, મોજા અને ટોપી મળી આવી અમદાવાદ. શહેરના કાલુપુર વિસ્તારમાંથી બ્રાન્ડેડ ડુપ્લિકેટ માસ્ક અને મોજાના વેચાણનો પર્દાફાશ થયો છે. કંપનીના માણસોએ પોલીસ સાથે મળી કાલુપુરમાં આવેલી 5 દુકાનોમાં તપાસ કરતા 900 વધુ ડુપ્લિકેટ માસ્ક, મોજા અને ટોપી મળી આવી હતી. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી 5 દુકાનદારો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

25 મોજા અને 278 ટોપી મળી આવ્યા
બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ માસ્ક કાલુપુર વિસ્તારમાં વેચાતા હોવાની બાતમીના આધારે કાલુપુર પોલીસ સાથે મળી કંપનીના માણસોએ અલગ અલગ દુકાનમાં દરોડા પાડ્યા હતાં જેમાં મયુરી હેન્ડલુમ, ઓનેસ્ટ સેલિબ્રેશન, સાંઈ એન્ટરપ્રાઇઝ, લક્કી હોઝીયરી અને એ.એ. ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા. દરેક દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના કુલ 956 ડુપ્લિકેટ માસ્ક, 25 મોજા અને 278 ટોપી મળી આવ્યા હતા. પોલીસે સુરેશ રાજપુરોહિત, મહંમદ ઇકબાલ મેમણ, મહેશ પુરુષવાણી, વિનોદ મોટવાણી અને અનિલ તેજવાની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.