એક જિજ્ઞાસુ બહેને પૂછ્યું છે, ‘સાક્ષાત્કાર એટલે શું? સાક્ષાત્કાર માત્ર નરસૈંયા અને મીરાંબાઇને જ થાય? આપણા જેવા સંસારીજનોને ન થઇ શકે?’
સાવ સરળ ભાષામાં કહું તો સાક્ષાત્કાર એટલે મનનું આત્મામાં લીન થવું. એ સિવાય બીજું કંઇ નથી. આપણા શાસ્ત્રોમાં મનની આ સ્થિતિને મનનું મૃત્યુ કહેલ છે. જોકે, વાસ્તવમાં મન મૃત્યુ પામતું નથી પણ આત્મામાં લીન થઇને એની સાથે એકાકાર થઇ જાય છે. મનનું આ રીતે આત્મા સાથે એકાકાર થવું એ જ સાક્ષાત્કાર. આવો સાક્ષાત્કાર તમને અને મને પણ થઇ શકે છે. શરત માત્ર એટલી જ કે મનની બહિર્ગમનવૃત્તિ ઓછી કરીને તેને અંતરલક્ષી બનાવી દેવી પડે.
આજે મારો જન્મદિવસ છે. દેશ વિદેશથી મિત્રો, વાચકો અને પ્રશંસકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ સવારથી શરૂ થઇ ગયો છે. બધાનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું. માત્ર મારા લખાયેલા શબ્દોથી પ્રભાવિત થઇને લાખો ભાવકો મારા પ્રત્યે પ્રેમ અને અહોભાવ ધરાવતા બન્યા છે. અત્યાર સુધી હું એક સામાન્ય દુન્યવી જિંદગી જીવતો આવ્યો છું. હવે મારો સાચી દિશાનો પ્રવાસ શરૂ થયો છે. હું ઇચ્છું કે જેટલો સારો હું લાગું છું એટલો સારો બની પણ રહું. બાહ્ય દેખાવની આ વાત નથી. મહર્ષિ અરવિંદ કહે છે તેવી ‘ચેતનાની ઉત્ક્રાંતિ’ની આ વાત છે.
મારો પ્રત્યેક દિવસ ઉત્ક્રાંતિનો દિવસ બની રહો ! ઓમ્ શાંતિ !
–ઓમ નમઃ શિવાય–
તા. 10-7-2020
*ડો. શરદ ઠાકર*