જીવનસફરમાં આગળ વધવું, લક્ષ નિર્ધાર સુધી પહોંચવા પ્રયાસ કરવો, ગતિશીલ બન્યા રહેવું, પથ પર અન્ય પથિક માટે સંતુલિત રહેવું, આત્મીય ને આત્મીય સ્વજન બનાવી રાખવા, સ્નેહીવૃંદ વધારવું, સૌ માટે સારપ જાળવી રાખવી, સામાજિક જવાબદારી પ્રત્યે જાગરૂકતા બનાવી રાખવી, પરિવારજનો, કુટુંબ, મિત્રો, નાગરિકો સૌ સાથે કદમ મિલાવી સફર સંચલન કરવું… વગેરે.
આ સતત આગળ વધતા સમયમાં પોતીકી સફર નિર્ધારિત પથ પર છે કે કેમ તે સમયાંતરે બે ઘડી ઉભા રહી, ઘડીક પોરો ખાઈ, માર્ગ બરાબર છે, ગતિ નિયંત્રિત છે, ક્યાંક ભુલા તો નથી પડ્યા ને.., આ બધુ ચકાસવાનો સમય એટલે જન્મદિવસ ને યાદ કરવાનો અવસર. “પોતીકા અનુભવ સમયની આ પોટલી” જેટલી સમૃદ્ધ થાય, તેમાં જાતે અનુભવેલા પ્રસંગો, કોઈકના મૂલ્યાંકન, કોઈકની શિખામણો, રસ્તે પડેલી ઠોકરો, કેટલાક સારા સ્મરણો વગેરેમાં સારા નરસા નું ત્વરિત પુનઃ મૂલ્યાંકન કરવા માટેનો એક દિવસ એટલે આ જન્મદિવસ..!
આમ તો વર્ષો ઘટે છે, છતાં ઉજવણી, એ તો અનુભવના વર્ષોની છે, માટે તેમાં ખુશી વધે છે. અનુભવ જેવો કોઈ શ્રેષ્ઠ શિક્ષક જગતમાં નથી, અને આ જન્મદિવસે આપણે ગર્વથી કહીએ છીએ કે જીવનકાળનો મને આટલા વર્ષનો અનુભવ થયો, તે છે જન્મદિવસની સાચી ખુશી.
આ અનુભવના વર્ષોમાં હું સ્વમુલ્યાંકન તો કરતો રહ્યો છું, આજે તક છે તમારા મારા પ્રત્યેના મૂલ્યાંકનને વ્યક્ત કરવાની, બસ મારા પ્રત્યેનો એકાદ હોંકારો, હાજરી અને પ્રત્યુતર મળે તો અનુભવની પોટલી વધારે સમૃદ્ધ બને..
તમે પણ બે ઘડી રોકાઈ આજે આ દિવસે મારું, અને તમારા જન્મદિવસે તમારું બે ઘડી રોકાઈ આવું પોતીકું અવલોકન કરવાની ટેવ માટે પ્રયાસ કરજો.
આવી મૂલ્યાંકન મુદ્રાની લાક્ષણિક તસવીર ઝીલનારા જેડબ્લ્યું ના કર્તાહર્તા બિપીનભાઈ સારા વ્યક્તિત્વ ધારક ઉમદા માણસ, ઉમદા વેપારી તો છે જ, સાથેસાથે સારા તસવીરકાર પણ છે, તેમણે તસવીરકાર ની તસવીર ઝીલી તેનો વિશેષ રાજીપો..
આવી અનેક વાતો, દાખલાઓ આસપાસ જ હોય છે તેને જાણવા માણવા સફર દરમ્યાન આવતા અવસરો કે જ્યાં પુનઃ મૂલ્યાંકન કરી શકાય તેમાં નો એક દિવસ એટલે જન્મદિવસ.. આજે સવારથી સતત શુભેચ્છાઓ વરસી રહી છે તે જીવનભાથાની પોટલીની તંદુરસ્તી જ તો બતાવે છે. ઇશ્ચર કૃપા અવિરત બની રહો, મારા પથ પર, મારા સંગાથીઓ પર, સૌ પર.
ધન્યવાદ.