આપઘાત કરતાં પહેલાં દસ બાબતો પર દસપંદર મિનિટ સુધી શાંત ચિત્તે વિચાર કરવામાં આવે તો શક્ય છે કે, આપઘાતનો અમલ દસપંદર વરસ માટે મુલતવી રાખવામાં આવે..!
*(1)* માનવજીવન આપણી ધારણાં જેટલું આસાન નથી. દુઃખનો સામનો કર્યા વગર સુખ શક્ય નથી. આપઘાત એ પલાયનવૃત્તિ છે, પડકોરોને ઝીલવાની વૃત્તિ નથી.
*(2)* જીવનમાં સામે આવતી પ્રત્યેક સમસ્યાનો સામનો કરવો એ જીવનનો જ એક ભાગ છે. ઘણીવાર સમસ્યા આપણને દેખાય છે એટલી વિકરાળ હોતી નથી. સંયમપૂર્વક થોડો સમય વિતાવી દેવામાં આવે તો પૂરી શક્યતા છે કે, સમસ્યાની તીવ્રતા હળવી બને.
*(3)* આપત્તિથી મોટી પાઠશાળા વિશ્વમાં ક્યાય શોધાઈ નથી. શાળામાં મળતા લેશન કરતાં, જીવનનાં સંઘર્ષમાંથી મળતું લેશન વધારે ખપમાં આવી છે. જે માણસ સુખ અને દુઃખને જીરવતાં શીખી જાય, સમજો એ જીવતા શીખી ગયો.
*(4)* જીવનમાં દોટની ગતિ કરતાં દોટની દિશા વધારે મહત્ત્વની છે. આપણને જીવનમાં બધું જ આપણી ઈચ્છા અને અપેક્ષા પ્રમાણે નહિ, સંજોગો અને લાયકાત પ્રમાણે મળતું હોય છે. આપણી વધુ પડતી અપેક્ષાઓ, બીજાની ઈર્ષા અને સખત હરીફાઈ આપણને પૂરપાટ મોતનાં કૂવા ભણી દોરી જાય છે.
*(5)* આપઘાત એ કોઈ સમસ્યાનો અંત નથી. મોટાભાગે તો વ્યક્તિના આપઘાત પછી જ પાછળ રહી ગયેલા સ્વજનો માટે સમસ્યાઓનો આરંભ થાય છે. એક વાત કદી ભૂલવા જેવી નથી : મૃત્યુ ગમેત્યારે મળી શકે, જીવન ફરીવાર મળતું નથી.
*(6)* પ્રત્યેક માણસ પાસે કમ સે કમ એક સક્ષમ અને સહૃદયી મિત્ર કે હિતેચ્છુ સ્વજન હોવો જોઈએ કે જ્યાં માણસ પોતાની બધી જ સમસ્યાઓ કોઈ પણ પ્રકારનો પડદો રાખ્યા વિના જણાવી શકે, માર્ગદર્શન મેળવી શકે. જેની હાજરીમાં દુઃખ હળવું થાય અને સુખની અનુભૂતિ થાય એ સાચો મિત્ર. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે આવા મિત્રથી વધારે અક્સીર બીજી કોઇ દવા દુનિયામાં ક્યાય નથી.
*(7)* ઘરનો દરેક સભ્ય પોતાના ઘરની જાહેરાત કરતું મોડેલ છે. ઘરની એક વ્યક્તિનો આપઘાત એ સમગ્ર કુટુંબ માટે આફતની સાથે બદનામીનો કાળો ડાગ પણ મૂકી જાય છે. આપણી એક ભૂલ આપણો ભવ તો બગાડે છે, ઉપરાંત આપણાં પર આધારીત બાકી પરિવારજનોની જિંદગી પણ બગાડે છે.
*(8)* હારી જવા કરતાં મેદાન જ છોડી દેવું એ વધારે મોટો પરાજય છે. સમજદારીપૂર્વકનું જીવન એ આપઘાતનો સૌથી મોટો ઉપાય છે. ભવિષ્યમાં કોરોનાની રસી શોધાશે, આપઘાતની કદી નહીં.!
*(9)* દરેક સમસ્યાને તેનો અંત હોય છે. એ ક્યારેક સમજણથી આવે ને ક્યારેક સમયથી આવે છે. પરંતુ એક વાત પાક્કી દરેક અંધારી રાત પછી સૂરજનો પ્રકાશ આવે જ. હિંમત હારીને અટકી જવામાં નહિ, લડી લેવામાં જીતની સંભાવના હોય છે.
*(10)* જીવનની છીછરી સમજ અને છીછરા માનવસંબંધો એ આપઘાતનાં મૂળમાં રહેલો મૂળ સડો છે. સફાઈ માત્ર ઘરની જ નહીં, મનની પણ કરતાં રહેવું જોઈએ. કચરો ઠાલવવા માટેની જગ્યાની ગોઠવણ મ્યુનિસિપાલિટી કરી આપે પણ, હૈયું ઠાલવવા માટેની જગ્યા આપણે જાતે જ શોધવી પડે..!
➖ હિતેશ રાયચુરા