ધોળકાની ધરા પર આરોગ્યમંત્રીના હસ્તે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સરકારી સહાય અર્પણ કરાઈ.

અમદાવાદ: જિલ્લાના ધોળકા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને સંબોધતા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગરીબો સુધી યોજનાના લાભ પહોંચાડવામાં એજન્ટ રાજ ચાલતું હતું, જેને ગરીબ કલ્યાણ મેળાએ નેસ્તનાબુદ કર્યું છે. તેમણે કહ્યું કે, હાલના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરાવતા ગરીબલક્ષી યોજનાઓના લાભ વિતરણમાં ચાલતા એજન્ટ રાજનો અંત આવ્યો છે.

ધોળકાની ધરા પર ગરીબોને ગરિમામય જીવન જીવવાનો અવસર પૂરુ પાડવાના હેતુથી આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ સરકારી સહાય અર્પણ કરતાં આરોગ્યમંત્રીએ કહ્યું કે, ગરીબ કલ્યાણ મેળાએ સરકારના ગહન વિચાર,મંથન અને ચિંતનનું સંવેદનશીલ સ્વરૂપ છે.*
મંત્રીશ્રીએ કહ્યું કે, ગરીબ કલ્યાણ મેળા થકી રાજ્ય સરકારના જુદા જુદા વિભાગની સહાય પુરી પાડી ગરીબોના આર્થિક ઉત્કર્ષ અને સશક્તિકરણની દિશામાં ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ ગરીબ કલ્યાણ મેળાની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું કે, ગરીબોને સહાય વિતરણમાં પારદર્શકતા એ સરકારનો ધ્યેયમંત્ર છે અને એટલે જ લોકોની વચ્ચે જઈ લોકો જુએ તે રીતે વંચિતો અને ગરીબોને સહાય પુરી પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ‘ટીમ ગુજરાત’ ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોને તેમનો અધિકાર અપાવી રહી છે અને વિકાસની પ્રક્રિયામાં વંચિત રહેલા ગરીબોને વિકાસયાત્રામાં સહભાગી બનાવી રહી છે.તેમણે આ અવસરે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સરકારની આ સહાયથી ગરીબો વધુ સન્માનપૂર્વક જીવન જીવી શકશે.

આ અવસરે ઉપસ્થિત કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું કે, ભારતીય બંધારણમાં કલ્યાણ રાજ્યનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે. જે અનુસાર રાજ્યમાં વસતા તમામ લોકો સુધી વિકાસના લાભો પહોંચાડવાની રાજ્યનું કર્તવ્ય છે. આ વિચારને ગરીબ કલ્યાણ મેળાએ વાસ્તવિક રૂપ આપ્યું છે. તેમણે કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાનો આરંભ આ વિચારને અનુસરીને કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીના ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના ૧.૪૭ કરોડ દરિદ્રનારાયણને રૂ. ૨૬ હજાર કરોડથી વધુના લાભ હાથોહાથ પહોંચાડવામાં આવ્યા છે, જે ભારતીય બંધારણની કલ્યાણ રાજ્યની સંકલ્પનાને સાકાર કરે છે.
શ્રી દેવુસિંહે કહ્યું કે, ભૂતકાળમાં ગરીબી હટાવવા માટે ગરીબી રેખા નિર્ધારીત કરવામાં આવી હતી, પરંતુ તેના થકી સાચા અર્થમાં ગરીબી દુર થઈ શકી ન હતી, પરંતુ ગરીબ કલ્યાણ મેળા થકી આ દિશામાં અર્થસભર કામ થયું છે. મંત્રીશ્રીએ ટેકનોલોજીના માધ્યમ થકી પારદર્શકતા માટે થયેલા પ્રયાસોની રૂપરેખા આપતા કહ્યું કે, ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર (ડીબીટી) થકી હવે યોજનાના લાભાર્થીઓ ના બેંક ખાતામાં સીધી રકમ જમા થાય છે.એટલે તેમાં ક્યાંય ભ્રષ્ટાચારને અવકાશ રહેતો નથી.

આ અવસરે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીશ્રીએ કોરોના કાળમાં ભારત સરકારે કરેલી ઉત્તમ કામગીરીની વિગતો પણ પૂરી પાડી હતી.
આ પ્રસંગે પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ગરીબ કલ્યાણ મેળાએ સાચા અર્થમાં સુશાસનની પરિકલ્પનાને મૂર્તિમંત કરી છે. તેમણે આ સંદર્ભે થયેલા એક સર્વેને ટાંકતા કહ્યું કે, ગરીબ કલ્યાણ મેળામાં મળેલી કીટ અને સહાયનો લાભાર્થીઓએ પ્રમાણિકતાપૂર્વક ઉપયોગ કર્યો તેમના જીવનધોરણમાં સુધારો નોંધાયો હતો.

રાજ્યસભાના સાસંદ શ્રી નરહરીભાઈ અમીને પણ ગરીબ કલ્યાણ મેળા થકી આવેલા સામાજિક પરિવર્તનની ભૂમિકા આપી હતી.

આ કાર્યક્રમમાં દસક્રોઈ ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાભાઈ પટેલ, સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા પોલીસ વડા શ્રી વિરેન્દ્ર યાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી તથા જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અને અગ્રગણ્ય નાગરિકો કાર્યક્રમમાં સહભાગી થયા હતા.