સ્ટેચ્યુ ઓફ યુનિટી 6 ગામ વિરોધ: કોંગ્રેસ મહામંત્રી ડિટેઈન, મહિલાઓ ઉતરી રસ્તા પર.

આદિવાસીઓના આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરાયુ

જિલ્લામાં એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ કાફલો ખડકી દેવાયો

પોલીસ દ્વારા આવતા દરેક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયુ

રાજપીપળા: તા 31

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં તાર-ફેન્સીંગ મામલે સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ લાંબુ ચાલતા તંત્ર અને આદિવાસીઓ આમને સામને આવી ગયા છે તેમની સામે હવે આદિવાસી નેતાઓ , ધારાસભ્યો , આગેવાનો પણ સામે આવ્યા છે ત્યારે ઘર્ષણ વધતા પોલીસે ધારાસભ્ય સહિત આગેવાની પણ અટકાયત કરી છે જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી હરેશ વસાવા વિરોધ કરતા તેમને પણ ડીટેન કર્યા છે
. ગઈ કાલે 30મી મેં ના રોજ ગુજરાત કોંગ્રેસના 8 આદિવાસી ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના આદિવાસી હોદ્દેદારોને 6 ગામના આદિવાસીઓને મળવા મામલે પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો. આ તમામ ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોએ રસ્તા પર બેસી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
આ ઘટનાનો રાજ્યમાં પડઘો પડ્યો હતો. બીજી બાજુ આદિવાસીઓના આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરી દેવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.આ ઘટના બાદ પણ કોંગ્રેસી ધારાસભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસીઓને મળી વિરોધ કરવાની ચીમકી આપી હતી. જેને પગલે 31મી મેં ના રોજ નર્મદા જિલ્લામાં એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો, જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ દ્વારા આવતા દરેક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું.

આ દરમિયાન અમુક લોકોએ પોલીસ સાથે અણછાજતું વર્તન પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે, તો બીજી બાજુ નર્મદા પોલીસે સંભવિત વિરોધને પગલે રાજપીપળા નજીકની જીતનગર ચોકડી પરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાને અને ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક ડો. પ્રફુલ્લ વસાવાને પોલીસે ડિટેઈન કર્યા હતા, તો બીજી બાજુ કેવડિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદીવાસી મહિલાઓ રસ્તા પર ઉતરી પડતા મામલો ગરમાયો હતો. રસ્તા પર ઉતરતી મહિલાઓએ નારા લગાવ્યા હતા કે “હમારી માંગે પુરી કરો”.
આ સિવાય કેવડિયા વિરોધ માટે આવવા નીકળેલા ચીખલીના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સહિત એમના સમર્થકોને વ્યારા વિસ્તારમાં પોલીસ દ્વારા ડિટેઈન કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, સંભવિત વિરોધને પગલે કેવડિયામાં રેન્જ આઈજી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લા પોલિસ વડા હિમકર સિંહે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ગામોમાં આદિવાસી સંગઠનો દ્વારા થનારા સંભવિત વિરોધને પગલે જિલ્લાના તમામ પોઇન્ટ પર પોલીસ ખડકી દેવાઈ છે, હાલ લોકડાઉન અમલી બનાવાયું છે જેથી કોઈ પણ વ્યક્તિ રાજકીય મેળાવડા કરતા પકડાશે એની પર કાર્યવાહી કરવામાં આવશે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા