*વૈશ્વિક મહામારીના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન-આર્થિક ગતિવિધિઓ પૂર્વવત બનાવવાની નવી દિશા બતાવશે-ગુજરાત*
…..
*ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા સમિતીના અધ્યક્ષ*
*વિવિધ આર્થિક ક્ષેત્રોના ૬ તજ્જ્ઞોનો સભ્ય તરીકે સમાવેશ*
…..
*સમિતી સર્વગ્રાહી તલસ્પર્શી કાર્યયોજના એકશન પ્લાન સાથેનો ભલામણ અહેવાલ
એક મહિનામાં સરકારને સોંપશે*
…….
*આ સમિતિના કાર્યક્ષેત્રો*
*સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનના અંદાજો મેળવી સેકટર સ્પેસીફીક પૂર્નનિર્માણની ભલામણો કરશે*
*અંદાજપત્રની રાજકોષિય-ફિઝકલ-આર્થિક સ્થિતીની સમીક્ષા અને સુધારાત્મક પગલાં સૂચવશે*
*રાજ્યમાં શ્રમિકોની સરળ ઉપલબ્ધિ વ્યવસ્થાઓ અંગે સૂચનો આપશે*
*આર્થિક અને નાણાંકીય રીવાઇવલ માટેનો શોર્ટ ટર્મ-મીડીયમ ટર્મ અને લોંગ ટર્મ એકશન પ્લાન સૂચવશે*
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સમિતીના અધ્યક્ષપદે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ શ્રી ડૉ. હસમુખ અઢિયાની નિમૂણંક કરી છે. ૬ સભ્યોની આ સમિતીમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ શ્રી મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ શ્રી પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી શ્રી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. શ્રી એમ. થેન્નારસનની નિયુકતી કરી છે.
પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-19ની આ વૈશ્વિક મહામારી સામે ગુજરાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અન્ન સુરક્ષા, આરોગ્ય રક્ષા અને અન્ય ક્ષેત્રોમાં શ્રેણીબદ્ધ પ્રોત્સાહક પગલાંઓ લીધા છે.
ગુજરાત દેશના અર્થતંત્ર અને ઔદ્યોગિક ગતિવિધિનું એક મહત્વપૂર્ણ રાજ્ય તથા મેન્યૂફેકચરીંગ હબ છે ત્યારે કોવિડ-19ની આ મહામારીને પરિણામે રાજ્યની એ ગતિવિધિઓને વ્યાપક અસર પહોંચી છે.
આ મહામારીના સંકટથી રાજ્યના અર્થતંત્રની ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને પણ વિપરીત અસર પડી છે. એટલું જ નહિ, MSME સેકટર સહિતના અન્ય ક્ષેત્રો પણ આ અસરનો ભોગ બનેલા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્થિતીને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરિય સમિતી રચવાનો નિર્ણય કર્યો છે.
ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને રચાયેલી આ સમિતીએ તલસ્પર્શી કાર્યયોજના એકશન પ્લાન સાથે પોતાની ભલામણોનો અહેવાલ રાજ્ય સરકારને એક મહિનામાં આપવાનો રહેશે.
સમિતી આ અંગેનો વચગાળાનો અહેવાલ ઇન્ટરીમ રિપોર્ટ બે સપ્તાહમાં સરકારને સોંપશે.
આ ઉચ્ચસ્તરીય સમિતી રાજ્યમાં સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનનો અભ્યાસ કરીને સેકટર સ્પેસીફિક પૂર્નગઠન માટેના ઉપાયો-સૂઝાવો આપશે.
સમિતીના અન્ય કાર્યક્ષેત્રોમાં જે બાબતોને આવરી લેવામાં આવી છે તેમાં રાજ્યની રાજકોષિય-ફિઝકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતીની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે.
એટલું જ નહિ, કોવિડ-19 મહામારી પછીની ઉદભવનારી સ્થિતીમાં રાજકોષિય ખાધ-ફિઝકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પૂર્નવિચારણા તેમજ પૂર્નગઠનની બાબતે પણ આ સમિતી ભલામણો કરશે.
રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ઊદ્યોગોને ઉત્પાદન માટે શ્રમિકો-લેબર એક મહત્વપૂર્ણ પરિબળ છે.
કોરોના વાયરસની હાલની સ્થિતીમાં ગુજરાતમાંથી મોટાપાયે આવા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં ચાલ્યા ગયા છે ત્યારે શ્રમિકોની ઉપલબ્ધિની વ્યવસ્થાઓ સુધારણા માટેની બાબતો પણ આ સમિતીના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
આ ઉચ્ચસ્તરિય સમિતી અન્ય રાષ્ટ્રોમાંથી પોતાના એકમો બીજા દેશ-રાષ્ટ્રમાં ખસેડવા ઇચ્છતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત કરવા માટેની યોગ્ય નીતિ ઘડતરની ભલામણો પણ રાજ્ય સરકારને કરશે.
એટલું જ નહિ, રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષિય સુધારણા રિવાઇવલ માટે ઇમીજીયેટ – ત્વરિત, મીડીયમ ટર્મ – ટૂંકાગાળાનો અને લોંગ ટર્મ – લાંબાગાળાનો સર્વગ્રાહી એકશન પ્લાન આ સમિતી તૈયાર કરશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉચ્ચસ્તરીય સમિતીની રચના કરીને રાજ્યના ઊદ્યોગ, વેપાર, ધંધા-રોજગારના ક્ષેત્રોને પૂન: ધબકતા કરવા તથા કોવિડ-19ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વવત કરવાની દિશા દેશને બતાવી છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..