*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૪ મું અંગદાન*
………..
*ચાંદખેડાના સુરેન્દ્રસિંહ ભંડારી બ્રેઇનડેડ થતાં પત્નિએ અંગદાનનો નિર્ણય કર્યો*
………..
*બે કિડની અને એક લીવરનું દાન મળ્યું*
.………
*સિવિલમાં અત્યારસુધીમાં ૧૨૪ અંગદાનમાં ૪૦૦ અંગો મળ્યા*
…….
*આ ૧૨૪ અંગદાતાઓએ સમાજના અનેક લોકોને અંગદાન માટે પ્રેરિત કર્યા છે -સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશી*
***********
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ આદિવાસી દિવસની વહેલી સવારે એક અંગદાતા પત્નીએ પોતાના બ્રેઇનડેડ પતિ સુરેન્દ્રસિંહનું અંગદાન કર્યું છે.
આ અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જે જરુરિયાતમંદ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
વિગતો એવી છે કે, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા ૪૫ વર્ષીય સુરેન્દ્રસિંહ ભંડારીને ૫ મી ઓગષ્ટે માર્ગ અકસ્માત નડ્યો.
આ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી.જેથી સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલમાં ૩ દિવસની સારવારના અંતે તેઓ બ્રેઇન ડેડ જાહેર કરાયા.
બ્રેઇનડેડ જાહેર થતાં સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સે તેમના પત્ની સહિત તમામ પરિવારજનોને અંગદાન માટેની સમજ આપી.જેનુ પરિણામ એવું મળ્યું કે પત્નિએ જ પતિના અંગોનું દાન કરીને જરુરિયાતમંદોને નવજીવન આપવાનું નક્કી કર્યું.
અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી .જેને જરુરીયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૨૪ અંગદાનમાં કુલ ૪૦૦ અંગો મળ્યા છે. આ ૧૨૪ અંગદાતાઓએ સમાજના અનેક લોકોને અંગદાનની આ મુહિમમાં જોડ્યા છે.
આજે અનેક લોકો આ અંગદાનના સેવાકાર્યથી પ્રેરિત થયા છે.