કામરેજનાં ટીચર્સ સોસાયટી ભવન ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા યોજાઈ 

કામરેજનાં ટીચર્સ સોસાયટી ભવન ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા યોજાઈ

( સભામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલની અઘ્યક્ષતામાં જૂની પેન્શન યોજના સંદર્ભે યોજાનાર ભારતયાત્રાનાં આયોજન બાબતે સઘન ચર્ચા )

 

સુરત જિલ્લાનાં કામરેજ ચાર રસ્તા સ્થિત કામરેજ તાલુકા ટીચર્સ સોસાયટી ભવન ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા યોજવામાં આવી હતી. સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલની અઘ્યક્ષતામાં યોજાયેલ આ સંકલન સભામાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી તથા અન્ય હોદ્દેદારો ઉપરાંત દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રારંભે સર્વધર્મ પ્રાર્થના તથા સ્વાગતવિધિ બાદ સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ ગત સભાનું પ્રોસિડિંગ વાંચનમાં લીધું હતું જેને સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ એજન્ડા મુજબનાં મુદ્દાઓ જેવાંકે 1/4/2005 પછી ભરતી થયેલ કર્મચારીઓનાં સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા 10 % ની સામે 14 % ફાળો ઉમેરવા બાબત, 2005 પહેલાનાં ભરતીવાળા જૂની પેન્શન યોજનાનો લાભ થયેલ સમાધાન મુજબ તથા અન્ય પ્રશ્નો બાબત, આગામી દિવસોમાં દિલ્હી ખાતે જૂની પેન્શન યોજના અમલીકરણ સંદર્ભે યોજાનાર ઘરણાં કાર્યક્રમ બાબત તથા તે સંદર્ભે દેશભરમાં યોજાનાર ભારતયાત્રાનાં આયોજન બાબત સઘન ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

પ્રમુખસ્થાનેથી કિરીટભાઈ પટેલ દ્વારા સુરત જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ શિક્ષકોનાં બદલી કેમ્પો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા બદલ દરેક જિલ્લા સંઘનાં હોદ્દેદારો તેમજ તાલુકા સંઘનાં હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે માંગણી મુજબ બદલીથી અન્ય શાળામાં ગયેલ સંઘનાં હોદ્દેદારો અશ્વિનભાઈ, નરેશભાઈ, દિનેશભાઈ ભટ્ટ તથા સોસાયટીનાં હોદ્દેદારોનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તદઉપરાંત એચ. ટાટ સંઘનાં સુરત જિલ્લાનાં પ્રમુખ બનવા બદલ રજીતભાઈ ચૌધરીનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ સિનિયર કાર્યવાહક બળવંતભાઈ પટેલે આટોપી હતી. સભા સ્થળે કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિરાજભાઈ, અશ્વિનભાઈ, યાસીનભાઈ, સાગરભાઈ તથા અન્ય હોદ્દેદારો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.