સુરતમાં ફ્રી ફાયર ગેમની બબાલમાં કિશોરને મિત્રએ જ પતાવી દીધો, માથામાં મુક્કો મારતાં મોત નિપજ્યું
પોલીસે કિશોરની માતાની ફરિયાદના આધારે બંને ભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો
સુરતમાં મિત્રએ જ તેના મિત્રને ભાઈ સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફ્રી ફાયર ગેમમાં બબાલ થતાં જ મિત્રએ તેના ભાઈ સાથે મળીને 14 વર્ષના કિશોરને માર માર્યો હતો. ત્યાર બાદ તેનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે કિશોરની માતાની ફરિયાદને લઈને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ફ્રી ફ્રાયર ગેમમાં હારજીતને લઈને બબાલ થઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ત્રણેક મહિના પહેલા સુરતના ઉન ભીંડી બજાર વિસ્તારમાં રહેતા 14 વર્ષનો કિશોર તેના મિત્ર સાથે રમવા ગયો હતો. આ દરમિયાન તેની મિત્ર સાથે બબાલ થતાં તે બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ તેના મામા સારવાર માટે તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
એ સમયે પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ થયા બાદ પણ તેના મોતનું કારણ જાણી શકાયું નહોતું. પરંતુ મૃતક કિશોરની માતાએ પાંડેસરા પોલીસમાં પુત્રના મિત્ર અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. માતાની ફરિયાદના આધારે તેના પુત્ર અને મિત્ર વચ્ચે ફ્રી ફાયર ગેમમાં હારજીતને લઈને માથાકુટ થઈ હતી. મિત્રએ તેના પુત્રને ગાળો આપીને માર માર્યો હતો. પાંડેસરા પોલીસે સુલેમાનની માતાની ફરિયાદના આધારે બંને ભાઈઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.