*૩૦ નવેમ્બરથી સાયન્સ સિટી ખાતે ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ’ યોજાશે*
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવવર્સિટી, સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે ૩૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન ભવન હોલમાં ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના બાળકોમાં ચેસ પ્રત્યેની રુચિ વધે તે હેતુથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના સહયોગથી ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ’નું આયોજન થયું છે. આ ચેસ ફેસ્ટિવલમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અંદાજે ૧૩૦૦થી વધારે બાળકો, વિદ્યાર્થીઓ ચેસ સ્પર્ધામાં ભાગ લેશે.
આ ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ’ ત્રણ કેટેગરીમાં યોજાશે. જેમાં ૩૦મી નવેમ્બરે ૧૨થી ૧૭ વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ માટે, ૧લી ડિસેમ્બરે ૧૧ વર્ષથી નાનાં બાળકો માટેની સ્પર્ધા તેમજ ૨જી ડિસેમ્બરે ૧૮થી ૨૫ વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા સવારે ૯.૦૦ વાગ્યાથી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી ચાલશે.
આ ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ’માં કુલ પાંચ લાખ રૂપિયાનાં ઈનામો વિજેતાઓને આપવામાં આવશે. જેમાંથી 600 વિજેતાઓને કેશ પ્રાઈઝ અને ગુજરાત ચેસ એસોસિયેશનના નિષ્ણાંત ચેસ કોચ પાસેથી નિઃશુલ્ક કોચિંગનો લાભ મળશે. આ સાથે ચેસ સ્પર્ધામાં ભાગ લેનારાં તમામ બાળકોને નિઃશુલ્ક આંતરરાષ્ટ્રીય ચેસ સેટ ભેટમાં આપવામાં આવશે.
આ સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ ન માત્ર ચેસ સ્પર્ધા પણ સંશોધન આધારિત ચેસ સ્પર્ધા થવા જઈ રહી છે. ચેસ ફેસ્ટિવલ દરમિયાન બાળકો અને વિદ્યાર્થીઓનાં મગજ અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ચેસની રમતની કેવી અસરો થાય છે, તે અંગે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા સંશોધન કરાશે.
**