ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીધામ ખાતે ‘૩૬૦° કચ્છ’ કોન્કલેવ યોજાયો

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

– વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ માટે ૩૬૦° વિચાર્યું છે અને અમલીકરણ પણ કર્યું છે

 

– કચ્છમિત્ર કચ્છનો અવાજ બનીને હંમેશા કચ્છીઓ સાથે ઊભું રહ્યું છે

ભુજ, શનિવારઃ કચ્છમિત્ર દ્વારા કચ્છનો વિકાસ, માળખાકીય સુવિધાઓ, સેવાકીય પ્રવૃત્તિઓ અને ઉદ્યોગોનો સામાજિક ઉત્તરદાયિત્ત્વ વગેરે મહત્વના મુદ્દાઓને સાંકળીને ‘૩૬૦° કચ્છ’ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીઓનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કચ્છને ગુજરાતનું ગ્રોથ એન્જીન ગણાવતા જણાવ્યું હતું કે, કચ્છની છાપ હવે સર્વાંગિક રીતે બદલાઈ ચૂકી છે. કચ્છમાં ઉદ્યોગો અને બોર્ડર બન્ને છે ત્યારે યોગ્ય નિર્ણયો સાથે સરકાર દ્વારા વિકાસ માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. કચ્છ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસ કાર્યો તે ભૂલી શકાય તેમ નથી. રણ પ્રદેશ તરીકે ઓળખાતા આ કચ્છને વિશ્વ સ્તરે ઉજાગર કરી દીધું છે. આજે અહીંના ખેડૂતો જમીન સીંચીને અહીં સ્ટ્રોબેરી ઉગાડી બતાવી છે. નરેન્દ્રભાઈએ કચ્છ માટે ૩૬૦° એ વિચાર્યું છે અને અમલીકરણ કરીને કચ્છમાં ઔધોગિકરણ કરવામાં, છેવાડા સુધી પાણી પહોંચાડવા, ખેડૂતોને સમૃદ્ધ બનાવવા તેમજ પ્રવાસનનું હબ બનાવવા માટે અગત્યની કામગીરી કરી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વાસ અને ઈમેજ કોને કહેવાય તે કચ્છમિત્રએ સાર્થક કરી બતાવ્યું છે. કચ્છમિત્ર કચ્છનો અવાજ બની હંમેશા ઊભુ રહ્યું છે. કચ્છમિત્રએ હંમેશા કચ્છ માટે હકારાત્મક વિચારોનું મનોમંથન કરીને કચ્છના ભલા માટેનું વિઝન સાર્થક કર્યું છે. ઉપરાંત મંત્રીશ્રીએ કચ્છ સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં અગ્રણી ઉધોગપતિશ્રી પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, કચ્છના વિકાસ અને પડકારોના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે ખૂબ સારી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ મામણીયાએ કર્યું હતું.

કોન્કલેવમાં આગળ ત્યારબાદ “સરકારનો નિરંતર સહકાર” સેશન અન્વયે જન્મભૂમિ ગૃપના એડિટરશ્રી કુન્દન વ્યાસ, એ.બી.પી.અસ્મિતાના ચેનલ હેડશ્રી રોનક પટેલે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સાથે વેપારીઓના પ્રશ્નો, ડ્રગ્સ પકડવા માટેની સરકારની પોલીસી, કચ્છની ઓછી એર કનેક્ટિવિટી વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જે અન્વયે મંત્રીશ્રી હર્ષ સંઘવીએ હકારાત્મક પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વેપારીઓને ચિંતા કરવાની જરૂર નથી, સરકાર તમારી સાથે છે, બસ તમે ખુલ્લા મને રજુઆત કરો.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે ડ્રગ્સ પોલીસી બનાવી છે. આવા અનેક સામાજિક દૂષણો સામે લડવા સૌએ એક બનવું પડશે. કચ્છ વિશે કચ્છવાસીઓ કરતા સરકાર વધુ વિચારે છે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

 

સાંસદશ્રીએ પણ કચ્છના વિવિધ પાસાઓની વાત કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છને વિશ્વ ફલક પર લઈ ગયા છે.

આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, પૂર્વ મંત્રીશ્રી વાસણભાઈ આહીર, દીનદયાળ પોર્ટ ઓથોરિટી-કંડલાના ચેરમેનશ્રી એસ.કે. મહેતા, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છમિત્રના તંત્રીશ્રી દીપક માંકડ, ઉદ્યોગપતિ અને અગ્રણી સર્વશ્રી પ્રણવ અદાણી, ચિંતન ઠાકર, અરજણભાઈ કાનગડ, અનિલ આર્ય અને નગર શ્રેષ્ઠીઓ સહિત કચ્છના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બળવંતસિંહ જાડેજા