ભરૂચ પ્રજ્ઞા ને સથવારે પૂર્ણતાનો પ્રયાસ 20 અંધ(દિવ્યાંગ) બહેનોએ અલગ-અલગ 20 વાનગીઓ બનાવી લોકોને આશ્ચયમાં મૂકી દીધા

ભરૂચ: આજરોજ ભરૂચ ખાતે ગુજરાત ભરમાંથી 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રાજપૂત છાત્રાલયના પ્રાંગણમાં લોક-જાગૃતિ લાવવાના હેતુસર રસોઈની કરામત દેખાડી હતી. જેમાં અલગ-અલગ 20 સ્ટોલમાં 20 અંધ બહેનોએ અલગ-અલગ 20 વાનગીઓ બનાવી લોકોને આશ્ચયમાં મૂકી દીધા હતા.

“નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ” ભરૂચ જીલ્લા શાખા દ્વારા ભરૂચ અને નર્મદા જીલ્લામાં અંધ તેમજ અન્ય દિવ્યાંગ ના શિક્ષણ, તાલીમ અને રોજગારના કાર્યોમાં સમાજનો બહોળો વર્ગ જોડાઈ તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. તક મળેતો દ્રષ્ટી ક્ષતિ સહીત કોઈપણ દિવ્યાંગતા હોય તો પણ વ્યક્તિ સમાજમાં પોતાનું સ્થાન અર્થપૂર્ણ રીતે સ્થાપિત કરી શકે છે.

સંસ્થાના પ્રમુખ અને ગુજરાત રાજ્ય સરકારના ભૂતપૂર્વ મંત્રી ખુમાનસિંહજી વાંસિયાએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતુંકે કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ પહેલા માનવ છે અને પછી દિવ્યાંગ છે. આપણી ખોટી માન્યતાઓ માંથી બહાર આવી આપણે તેમને શિક્ષણ, તાલીમ અને રોજગારની તક પૂરી પાડી રાષ્ટ્ર નિર્માણમાં જોડવા જોઈએ.

આ પ્રસંગે સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ અને પ્રખર સમાજ સેવિકા વાસંતીબેન દીવાનજીનું ગુજરાત રાજ્ય શાખા દ્વારા સન્માન તેમજ હીરાબા આંખની હોસ્પિટલ, બારેજાના ડૉ.ધર્મેન્દ્ર ઝીણાનું દ્રષ્ટી ક્ષતિ અટકાવવા માટે તેમના યોગદાન બદલ સંસ્થા દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા નાં વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભરૂચ શહેરના નગરસેવા સદનના પ્રમુખ અમિતભાઈ ચાવડા, મહેશભાઈ ઠક્કર, નારાયણ સ્કૂલ નાં પ્રિન્સીપાલ, પ્રવિણભાઈ રાણા, ડો. વિક્રમભાઈ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ, નાગજીભાઈ ખાસ ઉપસ્તિથ રહ્યા હતા.

જીલ્લાના પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ નિદર્શન એટલેકે અંધ બહેનોની રસોઈની કરામત નિહાળી હતી અને તેઓના દ્વારા બનાવાયેલ રસોઇનો સ્વાદ માણ્યો હતો.