મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, ” ઊંઘ લેવી….. ઊંઘ….. “

“ઊંઘ”

         મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, " ઊંઘ લેવી..... ઊંઘ..... " બધાંને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને? તેવામાં અનિંદ્રા થી પીડિત એક શેઠ તેની પાસે ગયાં અને બોલ્યાં, " ભાઈ, મને ઊંઘ નથી આવતી." તે માણસ બોલ્યો, " શેઠ, એક કલાક માટે તમે બધાં ઘરની બહાર નીકળો. હું એક કલાકમાં તમને એવું ઓશીકું બનાવી આપું કે ત્યાં માથું ટેકવ્યા બાદ તરત જ ઊંઘ આવી જશે." શેઠને મનમાં શંકા ઉપજી કે, " આ ચોરીનાં ઇરાદે તો નહિ આવ્યો હોય ને?" કેટલીક શંકા - કુશંકાઓ શેઠ મનમાં કરવાં લાગ્યાં.
                 શેઠને વિચાર મગ્ન જોઈને, તેનાં મોં પરના ભાવો કળીને કુશળ માણસ બોલી ઉઠ્યો, " શેઠ, તમે ચિંતા ન કરો. મારો ઈરાદો ચોરી કરવાનો નથી." શેઠે તે માણસ પર વિશ્વાસ મૂકીને પોતાનું ઘર એક કલાક સોંપી દીધું. તે માણસે એક કલાકમાં ઓશીકું તૈયાર કરી આપ્યું. શેઠને આપ્યું. શેઠે કહ્યું કે,  " આજ રાત્રે જોઈ જોવું કે કેવીક ઊંઘ આવે છે પછી તમને પૈસા આપીશ." આખરે તો શેઠ ને! ખાતરી કર્યા વિના પૈસા થોડા આપે? તે માણસ હસતાં હસતાં બોલ્યો, " શેઠ, મારે કંઈ પૈસાની ઉતાવળ નથી. હું જ્યારે ફરતો ફરતો તમારે ઘરે આવીશ ત્યારે હું જે માંગુ તે તમારે મને આપવું પડશે.બોલો છે મંજૂર?" શેઠ બોલ્યા, " ભાઈ, મારી ઊંઘ - મારાં આરામના બદલામાં જે જોઈતું હોય તે તું લઈ શકે છે." શેઠની વાત સાંભળીને પ્રસન્ન થઈને તે માણસ ચાલી નીકળ્યો. 
                           તે રાત્રિએ શેઠને ઘસઘસાટ ઊંઘ આવી. શેઠે પોતાનાં આડોશી - પાડોશી ને આ વાત કરી. બધાં ને તે માણસને મળવાની ઉત્સુકતા થઈ. કેટલાકને થયું કે તે માણસ તંત્ર - મંત્રનો જાણકાર હશે જેથી આવું જાદુઈ ઓશીકું બનાવી શક્યો. થોડાં દિવસો બાદ ફરી એ માણસ આવ્યો.

બધાં શેઠનાં પાડોશીઓ અને સગા – વ્હાલાં જાદુઈ ઓશિકા માટે પડાપડી કરવાં લાગ્યાં. ધીરે – ધીરે આખી શેરીના લોકોને તે માણસે આ જાદુઈ ઓશીકું બનાવી આપ્યું. બધાં ને ઘસઘસાટ ઊંઘ આવવાં લાગી ! જ્યારે પૈસાનું પૂછ્યું ત્યારે કહ્યું કે, ” શેઠ લોકો, હું એક મહિના પછી તમારી બધાની પાસે આવીશ. તમે બધાં ભેગાં થજો. હું આપની પાસે મારાં મહેનતાણા ની માંગણી કરીશ.” તે માણસ ચાલી નીકળ્યો.
મહિના બાદ તે આવ્યો. બધાં શેઠ લોકોએ તે માણસનું ફૂલ હારથી સ્વાગત કર્યું. કોઈએ પાણી પાયું, કોઈ ચા અને શરબત લઈ આવ્યા. બધાએ તેની આગતા – સ્વાગતા કરી. તે માણસે બધાં શેઠને બોલાવીને મિટિંગ કરી. બધા એ પૂછ્યું, ” બોલો ભાઈ, તમારે શું અપેક્ષા છે? તમે કહો તે પૈસા આપીએ. રહેવાનું ઠેકાણું ન હોય તો ઘર બનાવી આપીએ. આપ જે બોલો તે અમો કરી આપવા તૈયાર છીએ.” તે માણસે કહ્યું, ” ગમે તે એક ઘરમાંથી મે બનાવેલું જાદુઈ ઓશીકું મંગાવી આપો.” એક શેઠ ઓશીકું લઈ આવ્યાં. તે માણસ બોલ્યો, ” હું તમને મારી કહાની કહેવા માંગીશ.”

                          " હું પણ તમારી જેમ સંપત્તિવાન શેઠ જ છું. મારી પત્નીના કહેવા પ્રમાણે હું મારી માતાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો હતો તે દિવસથી મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. મારી માતા એ વૃધ્ધાશ્રમમાં અંતિમ શ્વાસ લીધો. ત્યાંના વ્યવસ્થાપકો એ મને ફોન કરીને બોલાવ્યો. મે મારી માતાની અંતિમ વિધિ સંપન્ન કરી. માતાની યાદગીરી રૂપે તેમનો સાડલો મારાં ઘરે લઈ આવ્યો. તે રાત્રે મારાં મોં પર સાડલો વીંટાળીને, માં ને યાદ કરીને ખૂબ જ રડ્યો. તે રાત્રે શું જાદુ થયો કે મને ઘસઘસાટ નીંદર આવી ગઈ ! તે રાતથી રોજ હું મારી માતાના સાડલા ને પાસે રાખીને સૂવું છું. મને સારી નીંદર આવે છે. "એકવાર અચાનક રાત્રે મને મારી માં સપનામાં આવી અને બોલી, " બેટા, તે ભલે મને વૃદ્ધાશ્રમ માં મોકલી. મને કોઈ વાંધો ન હતો. તું તો મારો પેટ જણ્યો હું કાયમ તારું ભલું ઇચ્છું છું પણ બેટા, દુનિયામાં બીજી માં કોઈને કોઈ વૃધ્ધાશ્રમમાં જીવન ગુજારી રહી છે. તેમને ઘરે પાછી લાવ તો મને મોક્ષ થશે બેટા !" 
                            હું ઊંઘમાંથી સફાળો જાગી ગયો અને મને પ્રેરણા થઈ. હું આસપાસના વિસ્તારમાં ફર્યો અને માહિતી મેળવી કે કોનાં ઘરની માં વૃધ્ધાશ્રમમાં છે? મે સર્વે કર્યો. હું તમારાં બધાની માતાને મળવા વૃધ્ધાશ્રમમાં ગયો હતો અને વચન આપ્યું હતું કે થોડાક મહિનામાં જ હું તમને તમારા ઘરે આદર સાથે લાવીશ. તે  માણસે શેઠનાં ઓશિકાનું કવર કાઢ્યું તો ગાદી અને કવરની વચ્ચે કેટલાક સાડલાના લીરા અને કટકા ગોઠવેલાં હતાં.

તે માણસ બોલ્યો, ” જે ઘરમાં હું ઓશીકું બનાવવાં ગયો ત્યાં ત્યાં તેમની માતાના સાડલાનાં લીરાં લેતો આવ્યો અને ઓશિકા વચ્ચે ગોઠવી દીધાં. તમારી ઊંઘનું રહસ્ય કોઈ જાદુ નથી પણ તમારી માતાઓ નો પ્રેમ છે. મારે કોઈ પૈસા નથી જોઈતા પણ હું જે તમારી માતાને વચન આપીને આવ્યો છું તે તમે પૂરું કરજો.” આટલું બોલીને માણસ અટકી ગયો ! બધેય નીરવ શાંતિ હતી. તમામ શેઠ જનોની આંખોમાં પસ્તાવાના આંસૂ હતા. બધા જ લોકોએ વચન નિભાવ્યું. આજે ઘરે ઘરે માતાની સન્માન ભેર પધરામણી થઇ છે.
સંતોષ પામીને તે માણસ હવે બીજી શેરી અને બીજા ઘરોની મુલાકાતે નીકળ્યો છે. કદાચ એ તમારાં ઘરે પણ આવશે, શું તમે તેનાં માટે બારણું ખોલશો ને??

સર્જક:- ©️ આનંદ મહેશ દાન ગઢવી

વાઈરલ સ્ટોરી.