રાજપીપલામાં યોજાયો મેગા જોબ-ફેર ૩૮૭ જેટલા રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી.

માહિતી-પ્રસારણ વિભાગના સોશિયલ મિડીયા ટુલ્સનો યુવાનોને શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરમાં
બખૂબી ઉપયોગ કરવાની કરાયેલી હિમાયત.

નર્મદા જિલ્લા રોજગાર કચેરી અને આઇ.ટી.આઇ ના સંયુકત ઉપક્રમે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ સંકુલમાં ત્રિમાસિક મેગા જોબ- ફેર યોજાયો હતો. જેમાં જિલ્લારોજગાર અધિકારી જી.આર.બારીયા, આઇ.ટી.આઇ.ના ઇન્ચાર્જ આચાર્ય અતુલભાઇ ચૌધરી, નાયબ માહિતી નિયામક યાકુબભાઇ ગાદીવાલા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી બી.આર.રાઠવા, આઇ.ટી.આઇ.ના પ્લેસમેન્ટ ઓફિસર કાર્તિકભાઇ વસાવા સહિત વિવિધ ઔદ્યોગિક એકમના નોકરીદાતાઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રોજગારવાંચ્છુ ઉમેદવારોની હાજરીમાં દિપ પ્રાગટય દ્વારા મેગા જોબ-ફેરને ખુલ્લો મૂકાયો હતો. આ જોબ-ફેરમાં વિવિધ ૫૭૪ જેટલી જગ્યાઓ માટે ઉપસ્થિત રહેલા ૪૬૭ ઉમેદવારો પૈકી ૩૮૭ જેટલાં ઉમેદવારોની જે તે નોકરીદાતા ઓ દ્વારા પ્રાથમિક પસંદગી કરાઇ હતી.
નર્મદા જિલ્લાના રોજગાર અધિકારી જી. આર. બારીયાએ જણાવ્યું હતું કે, જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને તેમના મનપસંદની રોજગારીની આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગારવાંચ્છુ ઉમેદવારોને તેમનામાં રહેલાં કૌશલ્ય મુજબ જે તે રોજગારીમાં પસંદગી પામીને તેમની કારકિર્દીનું ઘડતર કરવાની તેમણે હિમાયત કરી હતી.
જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક યાકુબભાઇ ગાદીવાલાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં રાજયના માહિતી વિભાગ દ્વારા પ્રસિધ્ધ થતાં ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક ગુજરાત રોજગાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક, ગુજરાત પાક્ષિક, ગુજરાત દિપોત્સવી અંક સહિત અન્ય પ્રક્રિર્ણ પ્રકાશનોની જાણકારી આપી યુવાનોને તેમના સામાન્ય જ્ઞાનમાં વધારો કરતાં આ પ્રકાશનો અને રોજગારલક્ષી ભરતીની માહિતીસભર બાબતોથી સતત અવગત રહીને તેનો મહત્તમ લાભ લેવાની સાથોસાથ માહિતી વિભાગના સોશિયલ મિડીયા ટુલ્સના ઉપયોગ થકી તેમાંથી પ્રાપ્ત થતાં માહિતીસભર ખજાનાને કારકિર્દી ઘડતરના ઉપયોગમાં લેવાની ગાદીવાલાએ ખાસ હિમાયત કરી હતી.