*આસારામની તબિયત વધારે બગડી! મોડી રાત્રે જોધપુર AIIMS ખાતે ખસેડાયા*
હૉસ્પિટલ તંત્રના જણાવ્યા પ્રમાણે જેલ અધીક્ષક અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આસારામને એમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
*જોધપુર* યૌન શોષણના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ (Asaram Bapu)ને મોડી રાત્રે જોધપુર એમ્સ (Jodhpura AIIMS)ખાતે ખસેડવામાં આવ્યા છે. જોધપુર સેન્ટ્રલ જેલ (Jodhpur central jail)માં થોડા દિવસ પહેલા આસારામ કોરોના સંક્રમિત (Corona positive) માલુમ પડ્યા હતા. જે બાદમાં તેમને સારવાર માટે મહાત્મા ગાંધી હૉસ્પિટલ (MG hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. જેલમાં અચાનક તબિયત બગડતા આસરામને એમજી હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, અહીંથી ગત રાત્રે તેમને એમ્સ ખાતે સારવાર માટે દાખલ કરાયા છે. હૉસ્પિટલ તંત્રના જણાવ્યા પ્રમાણે જેલ અધીક્ષક અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આસારામને એમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બે-ત્રણ દિવસ પહેલા સેન્ટ્રલ જેલમાં આસારામની તબિયત અચાનક ખરાબ થઈ હતી. તપાસ બાદ તેઓ કોરોના સંક્રમિત માલુમ પડ્યા હતા. ડૉક્ટરોની સલાહ પ્રમાણે તેમને તાત્કાલિક મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે આસારામે શુક્રવારે દિવસે જ તેમને એમ્સ ખાતે ખસેડવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે, ડૉક્ટરોએ માંગણી સ્વીકારી ન હતી. આખરે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટ અને જેલ અધીક્ષકના આદેશ બાદ તેમને જોધપુરની એમ્સ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં દાખલ થયાના શરૂઆતમાં તેઓ સારવાર કરાવવા માટે તૈયાર ન હતા. હૉસ્પિટલમાં તેમનો સિટી સ્કેન રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં સીટી સ્કોર 8 આવ્યો હતો. જ્યારે ઑક્સિજન લેવલ 93 હતું. ડૉક્ટરની સલાહ બાદ RT-PCR ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો, જેમાં આસારામ કોરોના સંક્રમિત માલુમ પડ્યા હતા. જે બાદમાં તેઓ સારવાર માટે તૈયાર થઈ ગયા હતા.
શુક્રવારે દિવસે મહાત્મા ગાંધી હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે, આસારામની સારવાર અહીં જ કરવામાં આવશે, જે બાદમાં તેમને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવશે. જોકે, મોડી રાત્રે વધારે સારી સારવાર માટે તેમને એમ્સ ખાતે ખસેડવામાં આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ ઓછો જ નથી થઈ રહ્યો. દરરોજ કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર થઈ રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના નવા 4 લાખ 1 હજાર 228 નવા દર્દી નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત દેશમાં મોતનો આંકડો (Death) ચાર હજારને પાર થઈ ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4,191લોકોનાં મોત થયા છે. આ એક રેકોર્ડ છે.