*નમસ્તે શબ્દનો અર્થ સમજાવ્યો*
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત ટ્રમ્પ અને તેમના પરિવારના સ્વાગતથી કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ માટે અમેરિકાથી સીધા અમદાવાદ આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. સાથે જ આ કાર્યક્રમના નામ નમસ્તેના શબ્દનો અર્થ પણ સમજાવ્યો હતો.
*ગુજરાતના લોકોનો માન્યો આભાર*
પીએમ મોદીએ પોતાના ભાષણમાં આટલા ભવ્ય સમારોહ માટે ગુજરાતના અને અન્ય રાજ્યના લોકોનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત આઝાદીના યોગદાન ધરાવતી સાબરમતી નદીના કિનારે સ્વાગત હોવાનું જણાવ્યું. મોદીએ પોતાના ભાષણમાં 5 હજાર વર્ષ જૂનાં ધોળાવીરા અને લોથલ સી પોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.
*સ્ટેચ્યુ ઓફ યુનિટી અને લિબર્ટી પર ગર્વ*
વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરીને જે રીતે અમેરિકાના લોકોને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ છે તેવી જ રીતે ભારતીયોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ હોવાની વાત કરી.
*ભારત-અમેરિકાની દોસ્તી એક નવો અધ્યાય*
પીએમ મોદીએ ટ્રમ્પની આ મુલાકાતથી ભારત-અમેરિકાની મજબૂત દોસ્તીનો ઉલ્લેખ કરી આ એક એવો અધ્યાય છે જે ભારત-અમેરિકાના લોકોના વિકાસને નવી તક આપશે તેમ જણાવ્યું હતું. સાથે જ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કાર્યક્રમ બાદ અમેરિકા અને ભારતના લોકો માટે પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીનો નવો દસ્તાવેજ તૈયાર થશે.
*રાષ્ટ્રપતિ ટ્રમ્પની કરી પ્રશંસા*
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રશંસા પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે ટ્રમ્પ ખૂબ મોટું વિચારે છે અને અમેરિકી ડ્રિમ્સને સાકાર કરવા માટે તેમણે જ કર્યું છે તે આખી દુનિયા જાણે છે.
*મેલેનિયાના બાળકો માટેના કાર્યની કરી પ્રશંસા*
વડાપ્રધાન મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી અને ટ્રમ્પના પત્ની મેલેનિયાના બાળકો માટેના તેમના કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. સાથે જ મેલેનિયાની ભારત મુલાકાત ખૂબ સન્માનની વાત હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
*ઈવાન્કાના ભારત પ્રવાસની વાત કરી*
પીએમ મોદીએ પોતાના ભાષણમાં ઈવાન્કાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઈવાન્કા બે વર્ષ પહેલાં પણ તમે ભારત આવ્યા હતા. ત્યારે તમે કહ્યું હતું કે, હું ફરી ભારત આવવા માંગીશ. મને ખુશી છે કે આજે તમે ફરી અમારી વચ્ચે છો. તમારું સ્વાગત છે. જમાઈ વિશે મોદીએ કહ્યું કે, તમે લાઈમ લાઈટથી દૂર રહો છો. તમને મળીને અહીં જોઈને ઘણી ખુશી થાય છે.