દેશના આર્થિક ભવિષ્યની સાથે સુપોષિત ભારતની જવાબદારી સહુ સાથે મળીને ઉપાડીએ: પોષણ પરિષદમાં કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીની હાકલ
▪️અતિ કુપોષિત બાળકોની ઓળખ કરવાની સાથે તેમની સમુચિત પોષણ સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા કર્યો અનુરોધ
▪️દેશની ૯ લાખ આંગણવાડીઓમાં ગ્રોથ મોનીટરીંગ ડીવાઈસ આપવામાં આવ્યા છે
▪️દેશના તમામ જિલ્લાઓમાં સખી વન સ્ટોપ સેન્ટર સ્થાપવાનું આયોજન
▪️વર્કિંગ વુમન હોસ્ટેલ માટે દેશવ્યાપી કન્વર્ઝન મોડલ બનાવવામાં આવશે
*
મહિલાઓ અને બાળકોના સુપોષણ સુરક્ષા સુશિક્ષણ અને સન્માનની જાળવણીના ક્ષેત્રમાં ગુજરાત ઉત્તમ કામગીરી કરી રહ્યું છે: મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા
કેવડીયામાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય પોષણ પરિષદનું સમાપન
કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે કે દેશના આર્થિક ભવિષ્યની સાથે સૂપોષિત ભારતની સહિયારી જવાબદારી સૌએ સાથે મળી ઉપાડવી પડશે. સમગ્ર દેશમાં આવતીકાલથી શરૂ થતા પોષણ માહને જન આંદોલન સ્વરૂપે લોક સહયોગથી ઉપાડી દેશમાંથી કુપોષણ નાબૂદ કરવા સૌને સંકલ્પબદ્ધ થવા તેમને હાકલ કરી હતી.
તેમણે ઉમેર્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇચ્છે છે મહિલાઓનું માત્ર સશક્તિકરણ પૂરતું નથી પરંતુ મહિલાઓ તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ કરવા સક્ષમ બને તે જરૂરી છે .
કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ ઉમેર્યું કે વર્ષ ૨૦૧૦ ના વિશ્વ બેન્કના રિપોર્ટ અનુસાર ભારતમાં શૌચાલયની કમીને કારણે રૂ.૨૪ હજાર કરોડનું આર્થિક નુક્શાન થયું હતું.વર્ષ ૨૦૧૮ ના અભ્યાસ મુજબ કુપોષણને કારણે જી. ડી.પી.માં ચાર ટકાનું નુકશાન થાય છે.
કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની કેવડીયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલ બે દિવસીય નેશનલ કોન્ફરન્સના સમાપન પ્રસંગે બોલી રહ્યા હતા.
કેન્દ્રિય મંત્રી એ ઉમેર્યું કે વર્ષ ૨૦૧૮ થી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોવિડ મહામારી વચ્ચે પણ નિર્ધારિત પ્રોટોકોલ સાથે લોક સહયોગથી ૧૬ કરોડ જેટલી પ્રવૃત્તિઓ હાથ ધરી કુપોષણ સામે જનઆંદોલન ઊભું કર્યું છે.
કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ દેશના તમામ આકાંક્ષી જિલ્લાઓમાં પોષણ માસ દરમ્યાન પોષણ વાટીકા સ્થાપિત કરવા સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું.
અતિ કુપોષિત બાળકોની ( SAM) ઓળખ કરવી એટલું પૂરતું નથી,પરંતુ આવા બાળકોની સમયસર ઉચિત સારવાર થાય તેનું લક્ષ નિર્ધારિત કરવા મંત્રીએ જણાવ્યું હતું.
દેશમાં આવા બાળકોની સંખ્યા અગાઉ ૮૦ લાખ જેટલી હતી જે હવે ઘટીને માત્ર ૧૦ લાખ રહી છે.પોષણ માસ દરમ્યાન આવા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો તેમને સુપોષિત બાળકની સ્થિતિમાં લાવી શકીશું તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે દેશના તમામ જિલ્લાઓમાં દરેક વિભાગ સાથે સમન્વય સાધીને આંગણવાડીના પાકા મકાનો બનાવવા સાથે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે.દેશના આકાક્ષી જિલ્લાઓમાં આ લક્ષ નિર્ધારિત કરવા તેમણે જણાવ્યું હતુ.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે દેશની ૧૪ લાખ આંગણવાડીઓ પૈકી ૯ લાખ આંગણવાડીઓમાં ગ્રોથ મોનીટરીંગ ડીવાઈસ આપવામાં આવી છે.જ્યારે બાકીની આંગણવાડીઓમાં પોષણ માસ દરમ્યાન મોબાઈલ આપવામાં આવશે.
મંત્રી એ દેશના તમામ જિલ્લાઓમાં વન સ્ટોપ સેન્ટર સ્થાપવામાં આવશે તેમ જણાવતા ઉમેર્યું હતું કે વર્કીંગ વુમન હોસ્ટેલ માટે સમગ્ર દેશમાં કન્વર્ઝન મોડેલ બનાવવા માં આવશે.
તેમણે જણાવ્યું કે બાળકોના સંરક્ષણ માટે જે.જે. એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે જિલ્લા કક્ષાએ બાળકોને દત્તક આપવા અંગે કલેકટરને પણ સત્તા આપવામાં આવી છે.
તેમણે રાષ્ટ્રીય મહિલા આયોગ,રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ દ્વારા મહિલાઓ અને બાળકો માટે હાથ ધરવામાં આવતી કામગીરીની વિગતો આપી હતી.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે ગુજરાતના યજમાનપદે યોજાયેલી રાષ્ટ્રીય પોષણ પરિષદમાં સંબોધન કરતા રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે આ પરિષદમાં સ્પર્શતી બાબતોનો વ્યાપક વિચાર વિમર્શ થયો છે અને સૂચનો મળ્યા છે જે કુપોષણ મુક્ત ભારતના ઘડતરમાં ખૂબ ઉપયોગી થશે.
તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યાર થી શરૂ કરીને વર્તમાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી સુધી ગુજરાતમાં મહિલાઓ અને બાળકોના સુપોષણ,સુરક્ષા, સુશિક્ષણ અને સન્માનની જાળવણી સહિતની બાબતોમાં ગુજરાત ઉત્તમ કામગીરી કરી રહ્યું છે.હકીકતમાં અલાયદા મહિલા અને બાળ વિકાસ વિભાગની રચનાની પહેલ ગુજરાતે મોદી સાહેબના કાર્યકાળમાં જ કરી હતી.
મહિલા અને બાળ વિકાસ મંત્રી એ જણાવ્યું કે આરોગ્ય રક્ષા અને પોષણ સ્તર જાળવવાની સમન્વિત વ્યવસ્થા હેઠળ ગુજરાત ઔષધીય વસ્તુઓ આધારિત આયુષ ટી.એચ.આર. નો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગની નમૂનેદાર કામગીરીની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે આદિવાસી ક્ષેત્રમાં બાળકોનું પોષણ સ્તર સુધારવા ૧૨ લાખ જેટલા બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ પોષણ સંવર્ધિત અને સ્વાદિષ્ટ દૂધ આપવામાં આવી રહ્યું છે. તો અન્ય વિસ્તારોમાં દૂધ સંઘોના સહયોગથી નહીં નફો નહીં નુકશાનના ધોરણે દૂધ મેળવીને ૪૨ લાખ બાળકોને પૂરું પાડવામાં આવી રહ્યું છે.
બાળ આરોગ્યની રક્ષા માટે ટેક હોમ રેશન આપવામાં આવે છે.કોરોના કાળમાં ૧૧ હજાર મેટ્રિક ટન ટી.એચ. આર.આંગણવાડી કાર્યકરોના સહયોગથી લાભાર્થી બાળકોને ઘેર બેઠા પહોંચાડ્યું છે. સગર્ભાઓ અને કિશોરીઓના પોષણની કાળજી લેવાની ગુજરાતે વ્યવસ્થા કરી છે. ટી.આર.એચ ઉત્પાદન સ્થળોથી નીકળીને લાભાર્થી સુધી પહોંચે તેના પર સતત નજર રાખવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ વિષયક બાબતોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ડૅશ બોર્ડની વ્યવસ્થા હેઠળ સતત મોનીટરીંગ કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે રાજ્યની આંગણવાડીઓના પાકા મકાનો બાંધવામાં આવ્યા છે અને વીજળી,પાણી, રાંધણગેસ ની સુવિધાઓ આપવામાં આવી છે.ગુજરાતે આંગણવાડીઓના બાળકોને ગણવેશ આપવાની પહેલ કરી છે. તેમણે આંગણવાડી કાર્યકરોની ઉત્તમ કામગીરીને બિરદાવવા માતા યશોદા એવોર્ડ સહિત ની વિગતો આપી હતી.
તેમણે જણાવ્યું કે કોરોના એ ઘણાં બાળકોના માથે થી માતા પિતાનું અને માતા અથવા પિતાનું છત્ર છીનવી લીધું છે ત્યારે મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજના હેઠળ સરકારે તેમનું વાલીપદ સ્વીકારતી વ્યવસ્થા કરી તેમને હુંફ આપી છે.
તેમણે મહિલા સુરક્ષા માટે ૧૮૨ અભયમ્ મહિલા સુરક્ષા હેલ્પ લાઇન, ઘરેલુ વિવાદોના નિરાકરણ માટે રાજ્યના દરેક મંડળમાં નારી અદાલતની સ્થાપના ની વિગતો આપતાં જણાવ્યું કે મહિલા અને બાળ વિકાસ,પોષણ,આરોગ્ય રક્ષા અને સર્વાંગી વિકાસને રાજ્ય સરકાર અગ્રતા આપે છે.
૫ વર્ષ પહેલાં કેવડિયામાં માત્ર નર્મદા બંધ હતો. આજે પ્રધાનમંત્રીની પ્રેરણાથી સ્થાપિત વિશ્વની સર્વોચ્ચ સરદાર પ્રતિમા અને અન્ય પ્રોજેક્ટોને લીધે કેવડિયા વિશ્વના પ્રવાસન નકશા પર અંકિત થયું છે.
મહાત્મા ગાંધી,સરદાર સાહેબ,નરેન્દ્રભાઇ અને અમિતભાઈ જેવા ગુજરાતના સપૂતોએ રાષ્ટ્ર ઘડતરમાં અમુલ્ય યોગદાન આપ્યું છે.
તેમણે પોષણ પરિષદના યજમાનપદની ગુજરાતને તક આપવા માટે અને કેવડિયાની તેના માટે પસંદગી કરવા બદલ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની અને ભારત સરકારના મંત્રાલયને ધન્યવાદ આપ્યા હતા.રાજ્યના મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ પરિષદને સફળ બનાવવા આપેલા યોગદાનને બિરદાવ્યું હતું.
આ પરિષદના વિવિધ સત્રોના વિચાર વિમર્શમાં ભારત સરકારના રાજ્ય મંત્રીશ્રી ડો.મહેન્દ્ર મુંજપરા,કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ સચિવ ઇન્દેવર પાંડે, રાજ્ય ના મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી કે.કે. નિરાલા,વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોના મંત્રીશ્રીઓ અને સચિવોએ ભાગ લીધો હતો.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા