રાજપીપલામાં રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતિની
થઇ ગૌરવભરી ઉજવણી
ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર અને બહુમૂખી વ્યક્તિત્વ-પ્રતિભાવંત ઝવેરચંદ મેઘાણીજીનું ગુજરાતી લોક સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ અને ગૌરવભર્યુ યોગદાન રહેલું છે.
-જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા
જિલ્લાના ગ્રંથાલયો માટે મેઘાણી સાહિત્ય સંપૂટનું મહાનોભાવોના હસ્તે વિતરણ
મેઘાણીજીના અમર ગીતોની સરવાણીથી શ્રોતાઓને રસતળબોળ કરતું હેમંત ભટ્ટ કલાવૃંદ રાજપીપલા,તા 28
ગુજરાતના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીતનાટક અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર ડી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. મધુકરભાઇ પાડવી, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી મમતાબેન તડવી, ગુજરાત બાળ સંરક્ષણ આયોગના પૂર્વ ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવી, મહિલા અગ્રણી ડૉ. દર્શનાબેન દેશમુખ, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, શિક્ષણશાસ્ત્રીઓ, સાહિત્ય પ્રેમીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નગરજનો વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા “કસુંબીનો રંગ” ઉત્સવ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ ઝવેરચંદ મેઘાણીજીની તસ્વિરને પૃષ્પમાળા ચઢાવી ભાવાંજલી અર્પી હતી. સમારંભના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, આજનું યુવાધન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીએ ગુજરાતી સાહિત્ય જગતમાં ખેડેલા ખેડાણની સાથે તેમના સાહિત્યથી માહિતગાર થઇ તેમાંથી પ્રેરણા લે અને દેશના વિકાસ માટે સંસ્કારોનું સિંચન થાય અને નવી પેઢી આપણા ગૌરવંતા સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત થાય તેવા આશયથી ગુજરાતના યશસ્વી અને સાહિત્યપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર અને બહુમૂખી વ્યક્તિત્વ-પ્રતિભાવંત શ્રી ઝવેરચંદ મેઘાણીનું ગુજરાતી લોકસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ અને ગૌરવભર્યું યોગદાન રહેલું છે, તેમ જણાવી શ્રીમતી પર્યુષાબેન વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશની આઝાદીની લડતમાં મેઘાણીજીના અસંખ્ય ગીતો અને કાવ્ય રચનાઓએ દેશના યુવાધનને શૂર ચઢાવવાની સાથે અંગ્રેજોમાં પણ તેનો ડર પેસી જતાં મેઘાણીજીને જેલવાસ કરવો પડ્યો હતો. ગોળમેજી પરિષદ વખતે બ્રિટીશ સલ્તનત વખતે જંગે ચઢેલા રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીબાપુ જ્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન જઇ રહ્યાં હતાં, ત્યારે ઝવેરચંદ મેઘાણીએ રચેલું “છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ” તે પ્રજા મિજાજને છતો કરે છે. તો લોક સાહિત્યનો કોઇપણ ડાયરો “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” કાવ્ય પંક્તિઓ સિવાય પૂર્ણ થતો નથી તે મેઘાણી સાહિત્યની ઓજસ્વિતા અને પ્રસ્તૂતાને સૂચવે છે. તેમણે ૧૯૩૦ માં મેઘાણીજીએ ધોલેરા સત્યાગ્રહના અવસરે પ્રગટ થયેલા ૧૫ શૌર્યગીતોનો સંગ્રહ “સિંધુડો” ના દેશભક્તિના રંગે રંગાયેલા ગીતોની આઝાદીની લડતમાં યુવાનોને જોડાવા માટેની પ્રેરકગાથા પણ વર્ણવી હતી. આ કાર્યક્રમમાં પુસ્તકાલયો માટે મેઘાણી સાહિત્ય સંપૂટનું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ગ્રંથાલયોના ગ્રંથપાલશ્રીઓને વિતરણ કરવામાં આવ્યું હતું અને શ્રી હેમંતભાઇ ભટ્ટના કલાવૃંદે મેઘાણી ગીતોની સરવાણી વહાવી હતી. આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીજીના પ્રેરક જીવનના મેઘધનૂષી રંગોનું નિરૂપણ કરતું દસ્તાવેજી ચલચિત્ર પણ દર્શાવાયું હતું. મહિલા અગ્રણી ડૉ.દર્શનાબેન દેશમુખ અને ગુજરાત બાળ સંરક્ષણ આયોગના પૂર્વ ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં મેઘાણીજીએ રચેલા કાવ્યો, નવલકથાઓ, લોકકથાઓ, શૌર્યગીતો આટલાં વર્ષો પછી પણ સૌ સાહિત્યકારો અને આપણાં કંઠે ગુંજી રહ્યાં છે, તેમ જણાવી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દરેક વ્યક્તિ તેમના સાહિત્યના વાંચનથી અભિભૂત થાય તેવી તેમની લેખની ધ્વારા તેમણે ગુજરાતની જનતામાં શૌર્ય, બલિદાન, ત્યાગ, પ્રેમ અને ખૂમારીના મૂલ્યોનું સિંચન કર્યું છે. પ્રરંભમાં બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી ડૉ.મધુકરભાઇ પાડવીએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, શ્રી ઝવેરચંદ મેઘાણીજીને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીબાપુએ આપ્યું હતું. વિરાટ વટવૃક્ષ જેવું વ્યક્તિત્વ અને બહુમૂલ્ય પ્રતિભા ધરાવતા મેઘાણીજી વિષે જેટલું લખીએ કે બોલીએ તો પણ તે ઓછું પડે. મેઘાણીજીએ લોક જીવનના ધબકારને તેમની સાહિત્ય રચનાઓમાં સાર્થક કર્યો છે. તેમનું સાહિત્ય, પત્રકારત્વ અને આઝાદીની જંગની લડાઇમાં આપેલું પ્રદાન આવનારી પેઢીઓ સુધી આપણને માર્ગદર્શન આપતું રહેશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા