ખુબ ઉંચી વ્યક્તિ માટે ખુબ ઉંચા વિચારો સાથે ૧૮૨ મિટરની ઉંચાઇ ધરાવતી પ્રતિમાની મુલાકાત લઇને ગુજરાતી તરીકે ગર્વ થાય છે
-અધ્યક્ષ નરેશભાઇ પટેલ
અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની ગુજરાત વિધાનસભાની સમિતિના અધ્યક્ષ નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી,નર્મદા ડેમ, ભૂગર્ભ જળ વિદ્યુત મથકની લીધેલી મુલાકાત
રાજપીપલા, તા26
અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની ગુજરાત વિધાનસભાની સમિતિના અધ્યક્ષશ્રી નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્ય અભેસિંહ તડવી, શસુનીલભાઈ ગામિત, વિજયભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી સહિતના સભ્યોએ ગઇકાલે બપોરબાદ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન અધ્યક્ષશ્રી નરેશભાઇ પટેલે પોતાનાં પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે,માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને હું લાખ લાખ અભિનંદન આપુ છુ,ખુબ ઉંચી વ્યક્તિ માટે ખુબ ઉંચા વિચારો સાથે ૧૮૨ મિટરની ઉંચાઇ ધરાવતી પ્રતિમાની મુલાકાત લઇને ગુજરાતી તરીકે ગર્વ થાય છે અને સરદાર સાહેબને નમન કરૂ છુ. સમિતીના અધ્યક્ષશ્રી નરેશભાઇ પટેલે સરદાર સાહેબે આજાદી અપાવવામાં અને અખંડ ભારતનું નિર્માણમાં આપેલ યોગદાનને યાદ કરી આજની પેઢી માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું. ત્યારબાદ સમિતિએ નર્મદા ડેમ, ભૂગર્ભ જળ વિદ્યુત મથકની મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેરશ્રી એ.વી.ગજજર પણ આ મુલાકાતમાં સાથે રહીને સમિતિને જે તે સ્થળ પર તકનિકી જરૂરી જાણકારી સાથેની વિગતોથી માહિતગાર કર્યા હતાં. ઉક્ત સમિતિએ લેઝર શો-મેપીંગ પ્રોજેક્શન શો પણ રસપૂર્વક નિહાળીને ગર્વની લાગણી અનુભવી હતી. સમિતિની આ મુલાકાત દરમિયાન ઉપ સચિવશ્રી વી.એમ.રાઠોડ, સેકશન અધિકારીશ્રી જસ્મીન કાવઠીયા, જિલ્લા આશ્રમશાળા અધિકારીશ્રી ગરાસીયા, ગુજરાત ગેસ લિમિટેડના ડેપ્યુટી મેનેજર શ્રી અજયસિંહ પરમાર, વ્યારાના સિચાઈના કાર્યપાલક ઈજનેર પ્રતાપસિંહ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા