રાજપીપલામાં શિક્ષણ મંત્રી ચુડાસમાની ઉપસ્થિતિમાં “શહેરી જન સુખાકારી દિવસ” નો જિલ્લાકક્ષાનો યોજાયેલો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા જિલ્લાને વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ની ધરેલી ભેટથી રાજપીપલા શહેર હવે વિશ્વના પ્રવાસીઓ માટે યજમાન શહેર બન્યું છે
મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રાજપીપલા નગરપાલિકાના વિકાસ કામો માટે રૂા.૧,૧૨,૫૦,૦૦૦/- નો ચેક નગરપાલિકાને અર્પણ કરાયો
કુલ રૂા.૨૨૩ લાખના ખર્ચે ૧ વિકાસ કામના લોકાર્પણ ઉપરાંત ૯ વિકાસ કામોનું કરાયેલું ખાતમુહુર્ત
“નોંધારાનો આધાર“ પ્રોજેક્ટ હેઠળના લાભાર્થીઓને મંત્રીશ્રી ચુડાસમા સહિતના મહાનુભાવો અને જિલ્લાના માધ્યમકર્મીઓના હસ્તે વિવિધ યોજનાકીય સહાયના લાભોનું વિતરણ
મંત્રી ચુડાસમાએ “નોંધારાનો આધાર“ પ્રોજેક્ટ હેઠળના લાભાર્થીઓ સાથે પ્રીતિ ભોજન લઇ લાભાર્થીઓની ક્ષેમ-કુશળતાના પૂછયાં ખબર-અંતર
રાજપીપલા,તા.11
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે આદરાયેલા રાજ્યવ્યાપી સેવાયજ્ઞના ભાગરૂપે આજે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદીપસિંહ ગોહિલ અને ઉપ પ્રમુખ હેંમતભાઇ માછી, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણીઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, પૂર્વ રાજ્ય મંત્રી શબ્દશરણભાઈ તડવી, શહેરના અગ્રણી રમણસિંહ રાઠોડ, શ્રીમતી સપનાબેન વસાવા, ગજેન્દ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ગોહિલ, નગરપાલિકાના સદસ્યઓ, નોંધારનો આધાર પ્રોજેક્ટના લાભાર્થી પરિવારો વગેરે સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના “શહેરી જનસુખાકારી દિવસ” ના કાર્યક્રમને ખૂલ્લો મુકાયો હતો.
શિક્ષણ મંત્ર ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની સરકાર દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસના થયેલા કામોના લેખજોખા સાથેનો સેવાયજ્ઞ લઈને ગુજરાતના ખૂણે ખૂણે પ્રજા સુધી પહોંચવાનો નમ્ર પ્રયાસ સરકારે કરેલ છે. ભૂતકાળમાં કોઈએ કલ્પના પણ ન કરી હોય કે ગુજરાતમાં આવું હોઇ શકે એવા પ્રકારના કામોની સરકારે પ્રજાને ભેટ ધરી છે. રાજ્યના તમામ વિભાગ અને તમામ વિસ્તારમાં માળખાકીય સુવિધા સાથેના વિકાસ થકી બધા વર્ગોને પૂરતો ન્યાય મળે તેવી નેમ સાથે સરકાર કટિબધ્ધ છે, તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું.
ગુજરાતમાં માળખાકીય સુવિધાથી આગળ વધીને ગુજરાતના દીર્ઘદ્રષ્ટા પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રવાસન, ધાર્મિક સ્થાનોના થયેલા જીર્ણોધ્વર થકી આજે રાજ્ય, કેટલાક જિલ્લા, ધર્મસ્થાનો, પ્રવાસન સ્થાનો વૈશ્વિક બની ગયા છે અને તેના આધારે જિલ્લો-સ્થાન વિશ્વના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. પ્રજાને કેન્દ્રમાં રાખીને નવા વિચાર, નવો આઇડીયા અને રોજગારના લક્ષ સાથે સરકારના લોકાભિમુખ વહિવટની પ્રતીતિ પ્રજાજનોને થઈ રહી છે.
અનેક રજવાડાઓનું વિલીનીકરણ કરીને દેશને એક તાંતણે બાંધનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની સ્મૃતિમાં સરદાર સરોવર ડેમ અને વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ની ભેટ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા જિલ્લાને ધરી છે, ત્યારે રાજપીપલા શહેર હવે વિશ્વના પ્રવાસીઓ માટે યજમાન શહેર બન્યું છે. વિશ્વના મહેમાનોની રોજબરોજ જે શહેર અને જિલ્લામાં આશરે ૨૫ હજાર પ્રવાસીઓની અવર-જવર રહેતી હોય તે શહેર અને જિલ્લાના લોકોની વાણી-વ્યવહાર અને વર્તનથી મહેમાનો સુખદ સંભારણું લઈ જાય ત્યારે સ્થાનિક રોજગારી ધંધાને પણ ચોક્કસ વેગ મળતો હોય છે, તેથી જ આ પ્રકારનું વાતાવરણ ઊભું કરવાના પ્રજાકીય સામૂહિક પ્રયાસો વધુ લાભદાયી બની રહેશે, તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સામાજિક સેવા સંસ્થાઓ- પદાધિકારીઓ અને પ્રજાજનોના સહયોગથી અમલી બનેલ “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ થઇ રહેલી કામગીરીને બિરદાવી આ માનવતાવાદી પ્રોજેક્ટમાં સહયોગી સૌ કોઇને અભિનંદન આપ્યાં હતા.
રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ અને પૂર્વ રાજ્ય મંત્રી શબ્દશરણ તડવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
પ્રારંભમાં નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રાજપીપલા નગરપાલિકાના વિકાસના કામો માટે રૂા.૧,૧૨,૫૦,૦૦૦/- નો ચેક નગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારી ઓને અર્પણ કર્યો હતો. ત્યારબાદ નગરના રસ્તાઓના સાફ સફાઈ માટે રૂા.૨૭ લાખના ખર્ચે રોડ સુગર મશીનનું લોકાર્પણ કર્યું હતું. તેવી જ રીતે નગરપાલિકા દ્વારા કુલ રૂા.૧૯૬ લાખના ખર્ચે વિવિધ ૯ જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.
ઉક્ત કાર્યક્રમ બાદ જિલ્લા વહીવટીતંત્રના “નોંધારાના આધાર પ્રોજેક્ટ” અંતર્ગત લાભાર્થી પરિવારની વ્યક્તિઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સાધન-સહાયના લાભોનું મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ સહિતના મહાનુભાવો ઉપરાંત નર્મદા જિલ્લાના માધ્યમકર્મીઓના હસ્તે વિતરણ કરાયું હતું. ત્યારબાદ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ આ પ્રોજેક્ટ હેઠળના લાભાર્થીઓ સાથેના સમૂહ ભોજનમાં જોડાઈને ભોજન લીધું હતું. અને તેમની ક્ષેમ-કુશળતાના ખબરઅંતર પૂછ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈકાલે રાત્રે તેમના રાજપીપલાના રોકાણ દરમિયાન જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સેવાભાવી સંસ્થાઓ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અગ્રણીઓ, પ્રજાજનો વગેરેના સહયોગથી હાથ ધરાયેલા “નોંધારાના આધાર” પ્રોજેક્ટ અંતર્ગત દશામાના મંદિર સામે ટેકરા ફળીયા વિસ્તારમાં લાભાર્થી પરિવારની મહિલાને રાત્રી-ભોજન પીરસવાની સાથે આવશ્યક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની કિટ્સ એનાયત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે આ પ્રોજેક્ટ સંદર્ભે મંત્રીને ઝીણવટભરી જાણકારી સાથે વાકેફ કર્યાં હતાં. મંત્રી ચુડાસમાએ આ કામગીરીથી અંત્યત પ્રભાવિત થઇ “ટીમ નર્મદા” ની સંવેદનાસભર આ માનવીય કામગીરી બિરદાવી અભિનંદન આપ્યાં હતાં.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા