આદિજાતિ વિકાસ અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ “સ્ટેચ્યુ ઓફ યુનિટી”- કેવડીયા
કોલોની ખાતે નિર્માણ પામી રહેલા “ટ્રાઇબલ મ્યુઝિયમ” ની પ્રગતિ હેઠળની કામગીરીની
મુલાકાત – સ્થળ નિરીક્ષણ સહિત કરેલી જરૂરી સમીક્ષા
જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન – બટર ફ્લાય ગાર્ડનની પણ મંત્રીશ્રી વસાવાએ
લીધેલી મુલાકાત
રાજપીપલા,તા 11
ગુજરાતના આદિજાતિ વિકાસ અને વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ ગઈકાલે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન બપોર બાદ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” કેવડીયા કોલોની ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસને ઉજાગર કરવાના હેતુથી આકાર પામી રહેલા “ટ્રાઇબલ મ્યુઝિયમ” સાઈટની સ્થળ મુલાકાત લઈ પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન આદિજાતિ વિકાસ વિભાગના સચિવશ્રી ડૉ.એસ મુરલી ક્રિષ્ણા અને કમિશ્નરશ્રી દિલીપ રાણા પણ મંત્રીશ્રી વસાવાની સાથે જોડાયા હતાં. પૂર્વ રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણ તડવી પણ આ પ્રસંગે મંત્રીશ્રીની સાથે રહ્યાં હતાં.
આઝાદી સમયે આદિવાસી સમાજના પ્રતિનિધિશ્રીઓએ આપેલ મૂલ્યવાન ફાળા સંદર્ભના ઐતિહાસિક મૂલ્યોની ઝાંખી આ મ્યુઝિયમના માધ્યમથી થનાર છે, ત્યારે આવા ટ્રાઇબલ મ્યુઝિયમનું જતન સારી રીતે થાય અને આદિવાસી સમાજનો ઇતિહાસ લોકો સમક્ષ રજૂ થાય તેવા ઉમદા હેતુથી આકાર પામી રહેલા અને પ્રગતિ હેઠળના “ટ્રાઇબલ મ્યુઝિયમ”ના બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ તેની સમીક્ષા સાથે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સ્થળ પર જરૂરી સૂચનો પણ કર્યા હતાં.
“ટ્રાઇબલ મ્યુઝિયમ” ના થઈ રહેલા બાંધકામ સ્થળની મુલાકાત બાદ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જંગલ સફારી પાર્ક અને કેક્ટસ ગાર્ડન – બટરફ્લાય ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી કેવડિયા ખાતે પ્રવાસીઓના આકર્ષણ માટે વન વિભાગ દ્વારા અનેકવિધ પ્રોજેક્ટસ સાથેના ઉભા કરાયેલા આયામો પૈકી પ્રવાસીઓને સૌથી વધુ ગમતી બાબત અને આકર્ષણ કેક્ટસ ગાર્ડન રહ્યું છે, જેમાં વિશ્વની ૪૦૦ થી પણ વધુ વેરાઈટીઝને તેમાં સ્થાન અપાયું છે. ત્યારે આ કેક્ટસ ગાર્ડનની સુંદરતાને બરકરાર રાખવાની કામગીરીને બિરદાવી વન વિભાગને મંત્રીશ્રી વસાવાએ અભિનંદન આપ્યા હતાં. વન વિભાગના ઉક્ત પ્રોજેક્ટસની આ મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. રતન નાલા, શ્રી પ્રતિક પંડ્યા સહિત વન વિભાગના અન્ય અધિકારીશ્રીઓ મંત્રીશ્રીની સાથે રહ્યાં હતાં અને જરૂરી માહિતીથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતાં.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા