ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં “રોજગાર દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

રાજપીપલા ખાતે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં “રોજગાર દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો


મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને અન્ય મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લામાં ૬૯ જેટલા રોજગાર વાંચ્છુઓને નિમંણૂક પત્રો અને ખાનગી ક્ષેત્રમાં ૪૭૨ જેટલા રોજગાર વાંચ્છુઓને રોજગારી પત્રો એનાયત


જિલ્લા વહિવટીતંત્રના “નોંધારાના આધાર” પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થી પરિવારની મહિલાને મંત્રીશ્રી પરમારના હસ્તે બપોરનું ભોજન પીરસવાની સાથે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની કિટ્સ એનાયત

રાજપીપલા,તા 8

મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે આજે “રોજગાર દિવસ” અંતર્ગત ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમાર, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઇ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે, સહિત અધિકારીઓ-પદાધિકારી ઓ, રોજગાર વાંચ્છુઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે “રોજગાર દિવસ” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્ર અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની નેતૃત્વની સરકારે રોજગાર વાંચ્છુઓને ઘર આંગણે જ રોજગારી મળી રહે તે માટે શૈક્ષણિક ક્ષેત્રમાં અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્યલક્ષી માનવબળની ઉપલબ્ધિ માટે ઔદ્યોગિક ભરતી મેળાઓનો નવતર અભિગમ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકીને રોજગારીની તકોનું નિર્માણ કરીને નોકરીદાતાઓને રોજગારી પૂરી પાડી છે.

રોજગાર વાંચ્છુઓને સરળતાથી રોજગારલક્ષી માહિતી સમયસર મળી રહે તે માટે વેબ પોર્ટલ થકી કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાની સાથે ગુજરાતના યુવાનો ભારતીય સેનામાં જોડાય તે માટે નિવાસી તાલીમ યોજના અંતર્ગત સંબધિત ભરતી અધિકારીશ્રીઓના સહયોગથી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યવ્યાપી તાલીમવર્ગોના આયોજનથી ઉમેદવારોને શારીરિક તથા લેખિત કસોટી અંગેની સઘન તાલીમ આપવામાં આવી છે. નર્મદા જિલ્લામાં પણ “રોજગાર દિવસે” સરકારી ક્ષેત્રમાં નિમણૂકોની સાથે આઉટસોર્સિંગ ક્ષેત્રોમાં ઉમેદવારોને એનાયત પત્રો આપીને રોજગારી પૂરી પાડી છે.

વધુમાં પરમારે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં પણ સરકારી દ્વારા ઓનલાઇન ભરતી મેળા યોજીને રોજગારી આપવાનું કામ કર્યું છે. નાણાકીય વર્ષ મુજબ ભરતી મેળાની વિગત આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્ષ ૨૦૧૭-૧૮ થી લઈને વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ૧૬૭ ભરતી મેળા યોજીને ૧૬,૭૭૭ લોકોને ભરતીમેળાનું પ્લેસમેન્ટ પૂરું પાડવાની સાથે કેલેન્ડર વર્ષ મુજબ ૨૦૧૭ થી લઈને વર્ષ-૨૦૨૧ સુધીમાં ૧૭૯ ભરતી મેળા યોજી ૧૮ હજારથી વધુ લોકોને પ્લેસમેન્ટ પૂરૂં પાડ્યું છે.

રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, સિંચાઈ સહિત વિવિધ માળખાકીય સુવિધા ઉભી કરવાની સાથે અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે. રાજ્યના યુવાનોને કૌશલ્યથી સક્ષમ બનાવી રોજગારીની તકો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની નેતૃત્વની સરકારે “ખેલ મહાકુંભ” થકી રમતગમત ક્ષેત્રે પણ વિકાસ સાધ્યો હોવાની સાથે હાલમાં ચાલી રહેલી ટોક્યો ઓલમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની ૬ દિકરીઓને પ્રત્યેકને રૂ.૧૦ લાખની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરીને મહિલાઓ માટે હિતકારી નિર્ણય લીધો હોવાનું મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું.

આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.

આ પ્રસંગે મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે શિક્ષણ વિભાગમાં સહાયક શિક્ષક-૪૮, આરોગ્ય વિભાગમાં સ્ટાફનર્સ -૧૯, એસ. ટી. વિભાગ,વિજ વિભાગ સહિત કુલ-૬૯ જેટલા રોજગાર વાંચ્છુઓને નિમંણૂક પત્રો એનાયત કરવાની સાથે એપ્રેન્ટિસ અને ખાનગી ક્ષેત્રમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ કંપનીઓ દ્વારા ૪૭૨ સહિત કુલ-૫૪૧ જેટલા રોજગાર વાંચ્છુઓને રોજગારીના એનાયત પત્રો આપ્યા હતા.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા