કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર”- જયેશ શ્રીમાળી પાલિયડ.

મારા કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર”
આ સંસારમાં ઘણાં બધાં લેખકો,કવિઓ અને સાહિત્યકારોએ માં,બાપ,ભાઈ-બહેન,દાદા-દાદી,મામા-મામી વિષે ઘણું બધું લખ્યું છે.આજ હું મારા જીવનમાં મહત્વનું યોગદાન અને મને નાનપણથી જ પુષ્કળ પ્રેમ આપનાર મારા કાકા શ્રી સ્વ.ડાહ્યાભાઈ લક્ષ્મણભાઇ પંડયા (શ્રીમાળી) વિશે મારી લાગણીઓને કલમથી કંડારી રહ્યો છું.જે સાહિત્ય જગતમાં કદાચ કાકાના પ્રેમનું પ્રથમ પાનું હશે.
મેં મારી માં નો ચહેરો તો નથી જોયો,પણ મારી માં જેવો જ પ્રેમ મને સમજ આવી ત્યારથી મારા પૂજ્ય કાકાએ આપ્યો છે.મારા ભૈ એટલે મારા પપ્પા અને અમે ત્રણ ભાઈ બેન (બે મોટા બહેનો મીના,હંસા અને હું) ભૈ તરીકે જ બોલાવતા હતા.મારા જન્મ પછી બે વર્ષ બાદ એક ભાઈમહેન્દ્રનો જન્મ થયો હતો અને એ સમયગાળા દરમિયાન જ મારા મમ્મીને સુવા રોગ (સુવા રોગ એટલે સ્ત્રીની સુવાવડ થતો એક રોગ) થઈ ગયો હતો અને એટલે મારા મમ્મી અવસાન પામ્યા.અને થોડા સમય પછી ભાઇનું પણ મૃત્યુ પામ્યો.મમ્મીના અવસાન પછી મારા ભૈ પર અમારા ત્રણેય ભાઈ બહેનની જવાબદારી આવી પડી હતી.મારા ભૈ અમારા ગામ પલિયડમાં છૂટક મજૂરી કરતાં અને સાથે સાથે બાપદાદાના સિલાઈ મશીન પર આખા ગામના કપડાંની સિલાઈ કરતાં પંચોતેર છોત્તેરના અરસામાં આખા ગામના કપડાં સિવવાનું કામ કરતાં તેમજ ચૌધરીવાસમાં મારા મમ્મી અને ભૈ બંને ગોદડાં બનાવતા હતાં.મારા મમ્મીના સુંદર અને મળતાવડા સ્વભાવને કારણે આજે પણ આખો ચૌધરીવાસ યાદ કરે છે અને મને જુએ તો મંજુનો છોકરો છે એવું વાક્ય એમના મોંઢામાંથી નિકળી જ જાય.આખું ગામ મારા પરિવારને પંડ્યા તરીકે જ ઓળખાતું હતું.અકાળે મમ્મીના મૃત્યુથી મારા ભૈ પર પત્ની અને પુત્ર ખોવાથી એમનાં હૃદય પર શુ વીતી હશે એ તો એમને જ ખબર હશે.અમે ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા હતા.મારા ભૈ કામ પર જાય એટલે હું આખો દિવસ મારા દાદી અને મારા કાકા સાથે જ રહેતો હતો.
જેમ જેમ હું સમજણો થતો ગયો તેમ તેમ મારા કાકા પ્રત્યે મને ખૂબ લગાવ અને પ્રેમ થઈ ગયો હતો.મારા કાકા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનના ફેન આખો દિવસ એમના જ ગીતો ગાતાં,કાકા વાળની સટાઇલ પણ એમના જેવી જ રાખતાં, ગાળામાં ગુંથેલો કાળો દોરો,ખુબ જ માયાળું, મળતાવડા સ્વભાવના, હંમેશા બીજાના કામમાં મદદરૂપ થવાનું,ઓછાં બોલા,સરળ સ્વાભાવના પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતાં. એમનાં લગ્ન કહીપુર ગામે થાય હતા પરંતુ કાકી સાથે એમના વિચારો મળતાં ના હોવાને કારણે સામાજિક રીતે ફરગતી કરેલ.મારા કાકી પણ ખુબજ સારા હતા એવું બધા કે’તાં હતા.એમનું નામ પણ મંજુ હતું.મારા બીજા કાકીનું નામ પણ મંજુ જ હતું એટલે મારા ઘરમાં મારી મમ્મી સાથે મંજુ નામ વાળા બે સભ્યો હતા.મારે કાઈપણ લેવું હોય તો હું મારા ભૈ ને ક્યારેય ન કે’તો,મારા કાકા પાસે જઈને માંગતો હતો.મારા કાકા ખેતી કરતાં હતાં.તો તેમનું ભાતું આપવા માટે ખેતરે પણ હું જ જતો અને ક્યારેક ક્યારેક એમની સાથે રાત્રે ખેતરમાં પાણી વળવા માટે પણ લઈ જતાં હતાં.આ સમય ગાળા દરમિયાન મારા કાકા અમારા બાજુના ફળિયાના ગંગા માંના ઘરે સારા દીકરા જેવા સંબંધો હોઈ એમનાં ઘરે વધારે રહેતા હતાં. ત્યારે મને ગોળ બહુ ભાવતો હતો એટલે હું મારા કાકાને ઇશારાથી કે’તો કે કાકા મારે ગોળ ખાવો છે તો ગંગા માને તરત ખબર પડતી અને મારા કાકાને કે’તાઆ જયલાને પેલા ડબ્બામાંથી ગોળ આપ અને હું એ ગોળ મારી ચડ્ડીના ગજવામાં ભરી ને રાજીના રેડ થઈ રમવા જતો રહેતો હતો,કાકા મને એમની સાથે પિક્ચર જોવા પણ લઇ જતાં હતાં.અને મારા કાકા સાથે મેં પહેલું પિક્ચર મેરુ માલણ કલોલની વિષ્ણુ સિનેમામાં જોયું હતું,મારા કાકા એટલે સાચે જ મારા માટે ભગવાનથી ઓછા ન્હોતા,ઉત્તરાયણ હોય,દિવાળી હોય,જન્માષ્ટમી હોય,છોકરીઓના વ્રતો હોય ત્યારે મારા કાકા અમારા ત્રણેય ભાઈ બેન માટે જરૂર હોય એટલાં પૈસા આપતાં હતાં. ક્યારેય ના નથી પાડી. એક સમય એવો હતો કે જે મને બરાબર યાદ છે કે રેનોલ્ડની પેન સામાન્ય પરિવારના છોકરાઓ માટે મોંઘી કહેવાતી જેની કિંમત 5 રૂપિયા હતી.ત્યારે મને મારા કાકા આ પેન લઇ આપતાં હતાં.VCR પર કેસેટ ચડાવી ને પિક્ચર જોવાનો ક્રેઝ હતો તો જ્યાં પણ આવું પિક્ચર ચાલે ત્યાં એક રૂપિયો આપીએ તો જોવા દેતાં તો મારા કાકા મને જ્યારે પિક્ચર જોવા જવું હોય ત્યારે એક રૂપિયો આપતાં ત્યારે એક રૂપિયાની પણ કિંમત હતી.મારા ગામથી સાલડી ગામ સાત km થાય અને શ્રાવણ માસમાં ત્યાં પીપળેશ્વર મહાદેવનો મેળો ભરાય ત્યારે પણ કાકા મને વાપરવા પાંચ રૂપિયા આપતા હતાં જ્યારે મારા બીજા મિત્રોની પાસે 50 પૈસા કે એક રૂપિયો જ હોતો અને એ પણ ચાલીને મેળામાં જવાનું હોય.છેલ્લે મારા કાકા એટલે મારા કાકા એમની તોલે કોઈ ના આવે મારી પત્નીને જોવા ગયો ત્યારે પણ એને મેં કહી દીધેલ કે એક ટાઈમ મારા મા બાપને નહીં સાચવે તો ચાલશે પણ મારા કાકાને સાચવવા પડશે.અને મારી પત્નીએ મારા મા બાપની સાથે મારા કાકાને પણ ખૂબ જ સારી રીતે સાચવ્યા હતા.મારા કાકાએ અમને ત્રણેય ભાઈ બહેનને આપેલો પ્રેમ અને હૂંફ ક્યારેય નહીં ભૂલીએ અને ખાસ હું તો મારા છેલા શ્વાસ સુધી મારા કાકાને નહીં ભૂલું એમને મારા માટે જેટલું કર્યું છે એ કદાચ કોઈ ના કરી શકે.મારા કાકા હંમેશા મારા હૃદયમાં જ છે અને રહેશે આજ એમની પુણ્યતિથી છે તો મને એમની કમી મહેસુસ થાય છે.મારા કાકા એટલે મારી માં મારા બાપ મારા ભગવાન અને મારા જીવનનો આધાર અને પ્રેમનો છલોછલ સાગર .કાકા તમને સત સત કોટી વંદન….
લેખક:-જયેશ શ્રીમાળી પાલિયડ.
મોડેલ સ્કૂલ સાણંદ.જી.અમદાવાદ.