पंथी हूँ मैं उस पथ का
अंत नहीं जिसका…

#કિશોરકુમાર #kishorekumar

🎤🎧🎼🎹🪘🎷🪗🎸🎻

આધેમેં રામ, આધેમેં ગામ. ફિલ્મી ગાયકોની વાત કરતા સમયે આ કહેવત ટાંકીએ તો રામ એટલે કોણ એ વાતે તલવારો ખેંચાય. પણ વફાદારી તો ચૂકાય નહિ. જાન ના જોખમે પણ કિશોરનું નામ જ બોલાય. કોલેજમાં આ બાબતે રફીના ચાહકો સાથે લોહિયાળ જંગ ખેલવાનો જ બાકી રહેતો. રફી મનુષ્ય અને ગાયક તરીકે ઉમદા એમાં બેમત નહિ પણ ગમતીલા કંઠની વાત આવે ત્યારે રફીસાહેબની મનોમન માફી માગી લઈએ. શાસ્ત્રની રીતે રફી ચડિયાતા હશે પણ કિશોર “કોરા કાગજ થા યે મન મેરા, લીખ લિયા નામ ઇસપે તેરા” ગાઈને અમારી કિશોર વયે રાજેશ ખન્ના મારફતે દિલમાં ઘૂસી ગયો એને કેમ કરી હટાવવો? રફીસાહેબ માટે માન સિવાય બોલી જ ન શકાય પણ કિશોરને મનોમન એકવચનમાં સંબોધતા જ વધુ નિકટતા જણાય, ભલે જાહેરમાં કિશોર’દા કહીએ!

એકાંત ટાપુ પર ૧૦ વરસ એકલા રહેવાની સજા થાય અને સાથે પસંદગીનું સંગીત લઈ જવાની છૂટ હોય તો વિચારવું પડે પણ કોઈ એક ગાયકનો જ વિકલ્પ મળે તો એ કિશોરકુમાર જ હોય! એના કંઠની એવી મોહિની કિશોર વયથી લાગી કે જે હજુ છૂટતી નથી. આમ તો એ ગાયક ઉપરાંત અભિનેતા, સંગીતકાર, ગીતકાર, લેખક, દિગ્દર્શક, નિર્માતા જેવા અનેક લેબલ્સ લઈને બેઠેલો પ્રતિભાશાળી કલાકાર, પણ ગાયન પાછળ બીજી કલાઓ નેપથ્યમાં ધકેલાઈ ગઈ.

શરૂઆતની એની ફ્લોપ કે હિટ ફિલ્મોમાં અભિનયના વિવિધ રૂપો જોવા મળ્યા પણ કોમેડીમાં તો એ લાજવાબ! એના જેવો નૈસર્ગિક કોમેડીયન હિન્દી પરદે ભાગ્યે જ જોવા મળ્યો. એની જગ્યાએ બીજો કલાકાર એવી હરકતો કરે તો વેવલો લાગે અને ચીડ ચડે! પણ કિશોરની ઘેલી હરકતો ચેપ્લીન માફક ખડખડાટ હસાવે. કોઈ પણ પ્રકારની વિધિવત તાલીમ લીધા વિના ગાયકી અને અભિનયના સર્વોચ્ચ શિખરો સર કરનાર આવા કલાકાર શોધવા બેસો તો આંગળીને વેઢે ગણાય એટલાં પણ ન મળે.

એની વિચિત્રતાઓ, પૈસાની કંજુસાઈ, ચાર ચાર લગ્નો અને જીવનની અનેક બાબતો અંગે સાચી ખોટી કિંવદંતી ચાલતી રહી એની નવાઈ નથી. એ ખુદ એક દંતકથારૂપ પ્રતિભા અને એકાંત તથા પ્રકૃતિનો પ્રેમી હોવાથી પોતાના વિશે દુનિયા શું વિચારે એની ક્યારેય દરકાર કરી નહિ. પોતાના વિશે આવી વાતો ફેલાય એવું જાણીજોઈને કર્યું હોય તોય નવાઈ નહિ. આમ પણ અફાટ નૈસર્ગિક પ્રતિભા ધરાવતા કલાકારોનું વર્તન ડાહીડમરી દુનિયાના ધારાધોરણો સાથે ક્યારેય મેચ થતું જ નથી. ટેલેન્ટ અને દુનિયાદારી વચ્ચે હંમેશા ૩૬ નો આંકડો જ રહ્યો છે!

કિશોરકુમારના ગીતો ન હોત તો જીવન તો હોત પણ જિંદગીના પ્રેમ, ઉદાસી, મુગ્ધતા, રોમાન્સ અને ઉલ્લાસના રંગો છે એટલાં ઘેરાં ન હોત. જિંદગીના દરેક તબક્કે એના ગીતો સાથે નાચ્યા કૂદ્યા, પ્રેમ કર્યો, વિરહ અનુભવ્યો, દુઃખદર્દો રોયા અને ટકી ગયા. એના ઘેરા કંઠની અસર એટલી સર્વકાલીન છે કે આજની પેઢી પણ એના ગાયેલા ગીતો રીમિક્સ કરીને રસથી માણે છે.

એના જન્મદિવસે આ અત્યંત પ્રિય ગાયકને સ્મરણ કરીને એના ગીતો સાંભળવાથી મોટો આનંદ કયો હોય? બધાં જ પ્રકારનાં ગીતો એણે ગાયાં છે પણ પસંદગી કરવાની હોય તો એના રમૂજી, ધમાલિયા, રોમેન્ટિક અને ગંભીર ગીતોમાંથી કયા તારવવા એ અઘરું પડે. માત્ર એક જ ગીત કહેવાનું હોય તો મને એનું પ્રમાણમાં ઓછું જાણીતું ગંભીર ગીત યાદ આવે. આ જૂનું ગીત ઘેરી ઉદાસીમાં પણ આશાવાદ પ્રગટાવે એવા શબ્દો, સંગીત અને ગાયકી વડે અમીટ છાપ છોડી જાય છે.

पंथी हूँ मैं उस पथ का
अंत नहीं जिसका…
(ફિલ્મ: દૂર કા રાહી, ગાયક સંગીતકાર: કિશોરકુમાર, ગીતકાર: ઈર્શાદ જલીલી)

https://youtu.be/n1hNTRtkgwk

આ વાંચનારા મિત્રોને વિનંતી કે પ્રિય કિશોરકુમારનું એમને પ્રિય હોય તે ગીત કૉમેન્ટમાં લખે. આપણે આજે આ મધુર કંઠને સાંભળીને એનો જન્મદિવસ ઉજવીએ. 🎧