અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ બે MH-60R મલ્ટી રોલ
હેલિકોપ્ટરનો ભારતીય નૌસેનામાં થયો સમાવેશ.
અમદાવાદ: ભારતીય નૌસેનાએ 16 જુલાઇ 2021ના રોજ સેન ડિઆગો ખાતે નેવલ એર સ્ટેશન ઉત્તર આઇલેન્ડ પર યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં તેના પ્રથમ બે MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર (MRH) USની નૌસેના પાસેથી સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમમાં USની નૌસેના દ્વારા ભારતીય નૌસેનાને ઔપચારિક રીતે આ હેલિકોપ્ટર સોંપવામાં આવ્યા હતા, જે USA ખાતે ભારતના રાજદ્વારી મહામહિમ તરનજિતસિંહ સંધુએ સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન US નૌસેનાના કમાન્ડર નેવલ એર ફોર્સિસ વાઇસ એડમિરલ કેનેથ વ્હાઇટસેલ અને ભારતીય નૌસેનાના ડેપ્યૂટી ચીફ ઓફ નેવલ સ્ટાફ (DCNS) વાઇસ એડમિરલ રવનીતસિંહ વચ્ચે હેલિકોપ્ટર સંબંધિત દસ્તાવેજોનું આદાનપ્રદાન પણ કરવામાં આવ્યું હતું.
USAની લોકહીટ માર્ટિન કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અત્યાધુનિક એવિઓનિક્સ/સેન્સર સાથેના MH-60R હેલિકોપ્ટર તમામ પ્રકારના હવામાનમાં બહુવિધ મિશનમાં સહકાર આપી શકે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. US સરકાર પાસેથી વિદેશી સૈન્ય વેચાણ અંતર્ગત આમાંના 24 હેલિકોપ્ટર ખરીદવામાં આવી રહ્યાં છે. આ હેલિકોપ્ટરો કેટલાક ભારતીય અનન્ય ઉપકરણો અને શસ્ત્રોની જરૂરિયાત અનુસાર સુધારવામાં પણ આવશે.
MRH હેલિકોપ્ટર સામેલ થવાથી ભારતીય નૌસેનાની ત્રિ-પરિમાણીય ક્ષમતામાં વધારે વૃદ્ધિ થશે. આ શક્તિશાળી હેલિકોપ્ટરો પર પ્રશિક્ષણ માટે ભારતીય ક્રૂની પ્રથમ બેચ હાલમાં USAમાં તાલીમ લઇ રહી છે.