*શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાન્નિધ્યમાં મકાઈના ડોડાનો મનોરમ્ય – કલાત્મક શણગાર કરવામાં આવ્યો…*
વરસાદની ઋતુમાં આપણા દેશની મોટાભાગની સડકો પર લોકો લારી પર અથવા તો દુકાનમાં પણ મકાઈ વેચતા નજરે જોવા મળે છે. ઘણા લોકો મકાઈના ડૉડા ખાવાનું ખુબ પસંદ કરતા હોય છે અને ખાસ કરીને વરસાદની ઋતુમાં મકાઈ ખાવા જતા હોય છે. લીંબુ અને મીઠું સાથે મકાઈનો ડોડો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મકાઈના ડોડામાં વિશેષ માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. તેમાં મોટી માત્રામાં ફાયબર પણ જોવા મળે છે. મકાઈ ખાવાથી આપણને વિટામિન્સ અને મિનરલ્સ તો મળે જ છે સાથે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘણો વધારો થાય છે. આપણા શરીરનું પાચનતંત્ર પણ મજબૂત બને છે.
મકાઈના ડોડામાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. જેને ખાવાથી આપણા શરીરના હાડકા ખુબ મજબૂત બને છે. આપણા શરીરની અંદર રહેલી ઉર્જા પણ ભરપૂર માત્રામાં વધારો જોવા મળે છે.
મકાઈના ડોડામાં વિટામિન ઈ પણ ભરપુર માત્રા જોવા મળે છે. તેને ખાવાથી તમારા ચહેરાને લગતી નાની મોટી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપરાંત ત્વચા બાબતે કોઈ મુશ્કેલીઓ હશે તો એ પણ દૂર થઈ જશે. આ ઉપરાંત ત્વચામાં વિશેષ નિખાર પણ આવવા લાગે છે.
મકાઈના ડોડામાં વિટામિન ઈ તો મળી જ રહે છે પણ તેની સાથે સાથે આપણને એન્ટિઓક્સીડેન્ટ તારીકે પણ કામ કરે છે. જે પ્રદુષણ ભર્યા આ વાતાવરણથી આપણા શરીરને સુરક્ષા કવચ પ્રદાન કરે છે અને તે શરીરને સદાય નિરોગી અને સ્વસ્થ રાખવામાં ખુબ મદદ પણ કરે છે.
મકાઈનો ડોડો એ મકાઈનું એકજ અંગ ગણવામાં આવે છે અને બધા લોકો જાણે જ છે કે બાળકોના મગજ માટે પણ ફાયદાકારક છે. એટલા માટે મકાઈના ડોડોને કોઈપણ રીતે પકાવીને ખાઓ અને બાળકોને પણ ખવડાવો. તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ બધા માટે ખુબજ ફાયદાકારક હોય છે.
આટલા બધા ફાયદાઓ જેમાં રહ્યા છે એવા મકાઈના ડોડાનો ૨૦૦ વર્ષ પહેલાનો પ્રસંગ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયે થયો હતો અને જાણવા તથા માણવા જેવો છે જે અસ્થાને નહીં ગણાય.
ગઢડામાં એક દિવસ શ્રી હરિ સવારના પહોરમાં પ્રસન્ન મનથી ઘેલા ધાંધલના ઘરના વિશાળ ચોકમાં સંતો – પાર્ષદો આદિ સૌ સાથે પધાર્યા. કુવાના થાળામાં બેસીને શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્નાન કર્યું. પછી પોતાના શરીરે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં. આથમણા બારના ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા બિછાવીને આસન પર બિરાજમાન થયા. ઘેલો ધાંધલ, અંજુ ભક્ત અને માણસિયા ધાંધલ ભગવાનની પાસે મકાઈના સારા ડોડા લાવ્યા. તેમાંથી સારા કૂણાં કૂણાં તાજા ડોડા વીણીને ભગવાનને આપ્યા. તે જોઈને તેમણે વખાણ્યા.
ઉત્સાહી મનના જાલુબાએ ભગવાનની આગળ તાજા માખણ સાથે બધી જાતના મસાલા અને એક સારું વાસણ પણ મૂક્યું. પછી શ્રી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તમે આ મકાઈ ડોડાને શેકો અને પછી તેના દાણામાં મસાલા નાખો. ભગવાન જેમને વાલા હતા અથવા ભગવાનના વહાલા શ્રી મુક્તાનંદ સ્વામી મકાઈ ડોડા શેકી, તેના દાણામાં મસાલા ચઢાવી વાસણમાં ભર્યા અને ભગવાનની આગળ મૂક્યા. પછી ભગવાન તે મસાલેદાર મકાઈદાણા જમ્યા.
મકાઈ દાણા જમતાં જમતાં શ્રી હરિ બોલ્યા: “આ ડોડા તો એટલા મીઠા છે કે સ્વાદને પારખનાર બ્રહ્મા પણ આવા ડોડાને ખાવાની ઈચ્છા રાખે.” ભગવાનની વાત સાંભળીને સુરા ખાચરે નર્મ વાક્યોના મર્મને જાણનારા શ્રી બ્રહ્માનંદ સ્વામીને કહ્યું. હે ધીમન્! આટલો સરસ ડોડો તો
બ્રહ્માનેય મળ્યો નથી. અને બ્રહ્માનંદ સ્વામીની સાથે સુરા ખાચર હસવા લાગ્યા. સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામીને ભગવાનમાં ઘણું હેત હતું. આથી ભગવાને તેમને પ્રેમથી કહ્યું, “આ ડોડાનો સ્વાદ ઘણો જ સારો છે” એમ તમે સમજો. આમ બોલીને શ્રી હરિએ આજ્ઞાપાલક પાર્ષદ શ્રી સુરા ખાચરને એક સારો પ્રસાદીનો મકાઈનો ડોડો આપ્યો. પણ સુરા ખાચરના હાથમાંથી નીચે પડી ગયો. તેમને એવી વ્યથા થઈ કે બંને આંખો ફાટી રહી ગઈ અને તેઓ મૂર્છિત – બેભાન થઈ ગયા. આમ તે મૂર્છિત થઈ ગયા ને બધું જ ભૂલી ગયા હોય તેવો તેમનો ચહેરો દેખીને પોતાના ભક્તોને આનંદ કરતાં ભગવાન ઘણું હસ્યા. વિશુદ્ધ હૃદય વાળા તે સુરા ખાચરને ભગવાને ઊંચો સાદ કરીને બોલાવ્યા અને પોતાના પ્રતાપથી સુરાખાચરને દેહના ભાનમાં લાવ્યા. (શ્રી દૂર્ગપુરમાહાત્મ્ય ભાગ – બીજો, અધ્યાય ૧૨૨)
આજના પવિત્રતમ દિવસે ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર – અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાન્નિધ્યમાં મકાઈના ડોડાનો મનોરમ્ય તથા કલાત્મક શણગાર સજાવવામાં આવ્યો હતો. જેનો દેશ-વિદેશના હજારો હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.