કોરોના મા અટવાયેલી વરણીની કામગીરી હવે પુનઃ હાથ ધરાતા રાજકીય સોગઠી રમત શરૂ.
ફરી એકવાર પ્રમુખ પદ માટે લોબિંગ શરૂ.
એક મોટું જૂથ વર્તમાન પ્રમુખની કામગીરી સામે નારાજ ચાલી રહ્યું છે જ્યારે બીજું જૂથ વર્તમાન પ્રમુખ-મહામંત્રીને રિપીટ કરવા મથી રહ્યું છે.
જિલ્લાના ભાજપ સમર્થિત સરપંચોની કોરા કાગળ પર સહી લેવાનો એક મામલો સામે આવતા ચકચાર.
રાજપીપલા,તા.9
કોરોના મહામારીને લીધે ટલ્લે ચઢેલી ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન પ્રમુખની વરણી હવે લગભગ થઈ જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. ગુજરાત ભાજપ પ્રમુખ નક્કી થાય એ બાદ તમામ જિલ્લા પ્રમુખોની વરણી પણ કરી દેવાશે એવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. જો કે કોરોના મહામારી બાદ ભાજપ સંગઠનમાં સ્થાન મળે એ માટે ફરી લોબિંગ પણ ચાલુ થયું છે.
નર્મદા જિલ્લા ભાજપ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી માટે અગાઉ જુના જોગીઓએ પ્રદેશ કક્ષાએ વર્તમાન પ્રમુખ વિરુદ્ધ ઘણી ફરિયાદો કરી હતી. એવું જરૂર કહી શકાય કે નર્મદા ભાજપના જુના જોગીઓનું એક મોટું જૂથ વર્તમાન પ્રમુખની કામગીરી સામે નારાજ ચાલી રહ્યું છે જ્યારે બીજું જૂથ વર્તમાન પ્રમુખ-મહામંત્રીને રિપીટ કરવા મથી રહ્યું છે.
આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ-મહામંત્રીની વરણીનું ભૂત ફરી ધુણ્યું છે. જિલ્લા ભાજપ સંગઠનના નવા હોદેદારોની વરણી હજુ થઈ નથી ત્યારે બીજી બાજુ જિલ્લાના ભાજપ સમર્થિત સરપંચોની કોરા કાગળ પર સહી લેવાનો એક મામલો સામે આવ્યો છે.
વર્તમાન પ્રમુખ-મહામંત્રીને રિપીટ કરવા સરપંચોને અંધારામાં રાખી કોરા કાગળ પર સહી લેવાના મામલે વિવાદ ઊભો થયો હતો.નર્મદા જિલ્લામાં એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે નર્મદા જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ-મહામંત્રીને રિપીટ કરવા સરપંચો ને અંધારામાં રાખી એમની કોરા કાગળ સહી કરાવી લેવાઇ છે અમુક સરપંચો પણ આવો આક્ષેપ કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ જ બાબતની ફરિયાદ નર્મદા જિલ્લા સરપંચ સંઘને મળતા સરપંચ સંઘના હોદ્દેદારોની નવા સર્કિટ હાઉસ ખાતે એક બેઠક મળી હતી. જેમાં નર્મદા જિલ્લા ભાજપના જુના જોગીઓ અને પ્રમુખ-મહામંત્રી પણ હાજર રહ્યા હતાં. એ બેઠકમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર હતો. એ બેઠકમાં આ વિવાદને લઈને જિલ્લા ભાજપના એક હોદ્દેદારે સરપંચોના સહી વાળા કોરા કાગળો ફાડી નાખી સરપંચોના આક્ષેપ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખનાં દાવેદારોએ સરપંચ સંઘને ગેરમાર્ગે દોર્યા છે
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નર્મદા જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સરપંચ સંઘ દ્વારા અગાઉ એક આવેદનપત્ર અપાયું હતું કે ઈ-ટેન્ડરિંગ રદ કરો. તો સરપંચોની એજ રજૂઆત સીએમ સુધી પહોંચાડવા કાર્યવાહી કરી રહ્યાં હતાં. અમે કોઈ સરપંચ પાસે કોરા લેટરપેડ પર સહી કરાવી નથી કે અંધારામાં રાખ્યા નથી. જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટે સરપંચની સંમતિની જરૂર પડતી જ નથી. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખના દાવેદારોએ સરપંચ સંઘને ગેરમાર્ગે દોર્યા છે. સર્કિટ હાઉસમાં એક બેઠક મળી હતી.જેમાં સરપંચ સંઘના હોદ્દેદારો પણ હતા એમની સામે જ આ આક્ષેપનું ખંડન થયું છે, તેઓને પણ સત્ય બાબત શુ છે એ સમજાઈ ગઈ છે. હું કોઈ પણ કામ પાર્ટીના કાર્યકરોને અંધારામાં રાખી કરતો નથી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા