હવે ઘરમાં પણ માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે.” નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડૉક્ટર વી. કે. પૌલે સોમવારે દેશવાસીઓને આ સલાહ આપી ત્યારે દરેક ઘરમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે શું લોકો હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી?
ઘરમાં કોઈને કોરોનાનો ચેપ લાગ્યો હોય તો બાકીના સભ્યો માસ્ક પહેરે તે વાત તો સમજી શકાય.
જોકે ઘરમાં કોઈને ચેપ લાગ્યો ન હોય અને છતાં ઘરમાં માસ્ક પહેરવાથી કોરોનાથી બચી શકાય, તે સલાહ કેટલી મહત્ત્વની છે?
આ સમજવા માટે અમે કેટલાક નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરી. આ ઉપરાંત આ મુદ્દા સાથે સંકળાયેલા બીજા સવાલોના જવાબ શોધવા પણ અમે પ્રયાસ કર્યો.
‘કોરોના વાઇરસ હવાથી ફેલાઈ શકે’, આ રહ્યાં 10 કારણો
ઘરમાં માસ્ક પહેરવાથી શું ફાયદો થાય?
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ઘરમાં માસ્ક પહેરવામાં કોઈ નુકસાન નથી. જોકે થોડો ઘણો ફાયદો થશે, કારણકે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને હવે આખેઆખા પરિવારોને કોરોના થઈ રહ્યો છે.
ગુરુગ્રામસ્થિત ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વેસ્ક્યુલર અને એન્ડોવેસ્ક્યુલર સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર હિમાંશુ વર્માએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે:
“ભારત અત્યંત ગીચ વસતી ધરાવતો દેશ છે. ખાસ કરીને દિલ્હી સહિત ઘણી જગ્યાએ એક-એક ઘરમાં અને કેટલીક જગ્યાએ એક જ રૂમમાં ઘણા બધા લોકો એકસાથે રહેતા હોય છે.”
તેઓ કહે છે કે આ વખતે કોઈને કોરોનાનો ચેપ લાગે તેવી શક્યતા વધારે છે.
ડૉ. હિમાંશુ વર્માએ જણાવ્યું, “તમારા ઘરમાં કોઈને કોરોના થયો હોય તો માસ્ક પહેરવું જ પડે. પરંતુ કોઈને કોરોના ન હોય તો પણ ગીચ વિસ્તારમાં અથવા બહુમાળી ઇમારતમાં રહેનારા લોકોએ ઘરમાં માસ્ક પહેરવું જોઈએ.”
દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ ઍપોલો હૉસ્પિટલમાં રેસ્પિરેટરી અને ક્રિટિકલ કૅરના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. રાજેશ ચાવલાએ બીબીસીને જણાવ્યું કે તેમણે પહેલેથી જ લોકોને આ અંગે સલાહ આપવી શરૂ કરી દીધી હતી.
ડૉ. રાજેશ ચાવલા જણાવે છે, “કોઈ વ્યક્તિ ઘરમાંથી બહાર જતી ન હોય તો વાંધો નથી. પરંતુ કોઈ એક વ્યક્તિ બહાર જતી હોય તો તે પણ બહારથી કોરોનાનો ચેપ લાવી શકે છે.”
“શક્ય છે કે વ્યક્તિ પોતે ઍસિમ્પ્ટમેટિક હોય પરંતુ ઘરના બાકીના સભ્યોને તે ચેપ આપી શકે. તેથી આમ કરવું બહુ જરૂરી છે.”
ડૉક્ટરોની સલાહ છે કે જે ઘરના લોકો બહાર નથી જતા અથવા કોઈ ખુલ્લી જગ્યામાં રહેતા હોય તથા બીજા લોકો સાથે સંપર્કમાં આવવાની શક્યતા ઓછી હોય ત્યાં ઘરમાં માસ્ક પહેરવું એટલું જરૂરી નથી. પરંતુ ઘરના કોઈ પણ સભ્ય બહારની વ્યક્તિ સાથે સંપર્કમાં આવતા હોય તો તેમણે ઘરમાં માસ્ક પહેરવું જોઈએ.
માત્ર માસ્ક પહેરવાથી સંક્રમણની ચેઈન તૂટશે?